/connect-gujarat/media/media_files/2025/12/08/pemguine-2025-12-08-16-48-21.jpg)
હજુ હમણાં સુધી આફ્રિકન પેન્ગ્વિન દક્ષિણ આફ્રિકાના દરિયાકિનારાની શાન ગણાતા હતા, પણ હવે આ વાત ભૂતકાળ બની રહી હોય તેવું લાગી રહ્યું છે.
તાજેતરના સંશોધનોમાં સામે આવ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં 60,000થી પણ વધુ આફ્રિકન પેન્ગ્વિન ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા છે. મોટી માત્રામાં થયેલા મૃત્યુનું પ્રમુખ કારણ તેમના મુખ્ય ખોરાક એવી સારડિન માછલીની વસ્તીમાં થયેલો ભારે ઘટાડો છે. આબોહવા પરિવર્તન અને અતિશય માછીમારી જેવા માનવસર્જિત કારણોએ આ પરિસ્થિતિ ઉત્પન્ન કરી છે, જેનાથી રૂપકડા આફ્રિકન પેન્ગ્વિનનું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું છે.
2004 અને 2012ની વચ્ચેનો સમયગાળો આ પ્રજાતિ માટે અત્યંત વિનાશક સાબિત થયો. દક્ષિણ આફ્રિકાની બે સૌથી મોટી પેન્ગ્વિન વસાહતો ‘ડોસન આઇલેન્ડ’ અને ‘રોબેન આઇલેન્ડ’ પર 95%થી વધુનો ભીષણ ઘટાડો નોંધાયો છે. મોટાભાગના મૃત્યુ પેન્ગ્વિનના ‘મોલ્ટિંગ’ એટલે કે ‘પીછાં ખરવાના સમયગાળા’ દરમિયાન થયા છે.
પેન્ગ્વિન વર્ષમાં એકવાર તેમના શરીર પરના તમામ પીછાં ખેરવી નાંખીને નવા ઉગાડે છે. 21 દિવસ ચાલતી આ પ્રક્રિયા દરમિયાન પેન્ગ્વિન સમુદ્રમાં જઈને તરી નથી શકતા, એટલે શિકાર કરવાનો તો સવાલ જ નથી, કેમ કે પેન્ગ્વિનનો મુખ્ય ખોરાક સારડિન નામની નાની માછલીઓ હોય છે, જેનો શિકાર કરવા માટે સમુદ્રમાં ઉતરવું જ પડે. પેન્ગ્વિનના પીછાં વોટરપ્રૂફ હોવાથી તે બર્ફિલા પાણીમાં તરી શકે છે. પીછાં ન હોય ત્યારે સમુદ્રમાં પડે તો ઠરીને મરી જાય. એટલે મોલ્ટિંગની પ્રક્રિયા ચાલે ત્યાં સુધી પેન્ગ્વિને જમીન પર ફરજિયાતપણે રહેવું પડે છે.