મ્યાનમારમાં હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક: 34નાં મોત, 80થી વધુ ઈજાગ્રસ્ત

મ્રાઉક-યૂ ટાઉનશિપમાં આવેલી હોસ્પિટલ પર લડાકુ જેટે બે બોમ્બ ફેંક્યા, જેમાંથી એક સીધો રીકવરી વોર્ડ પર પડ્યા હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે.

New Update
myanmar

મ્યાનમારના પશ્ચિમી રાજ્ય રખાઇનમાં ગૃહયુદ્ધ વચ્ચે સૈન્ય દ્વારા કરવામાં આવેલા લોહિયાળ હુમલામાં એક મુખ્ય હોસ્પિટલ ધ્વસ્ત થઈ ગઈ છે.

બુધવારે રાત્રે 9:13 કલાકે, મ્રાઉક-યૂ ટાઉનશિપમાં આવેલી હોસ્પિટલ પર લડાકુ જેટે બે બોમ્બ ફેંક્યા, જેમાંથી એક સીધો રીકવરી વોર્ડ પર પડ્યા હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે. આ ભયાનક ઘટનામાં 34 દર્દીઓનાં મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

બચાવ ટિમોના અનુસાર, ધડાકા એટલા શક્તિશાળી હતા કે હોસ્પિટલની મોટાભાગની ઇમારત તુરંત જ ધરાશાયી થઈ ગઈ. રખાઇનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધને કારણે મોટાભાગની હોસ્પિટલો પહેલેથી જ બંધ છે, જેના કારણે આ હોસ્પિટલ જ એકમાત્ર કાર્યરત આરોગ્ય કેન્દ્ર હતી. તે નષ્ટ થતા હજારો નાગરિકો હવે સારવારની ગંભીર કમીનો સામનો કરશે.

મ્યાનમારની સત્તારૂઢ સૈન્ય સરકારે હુમલાની પુષ્ટિ કે ટિપ્પણી કોઈ પણ પ્રકારની નથી કરી, પરંતુ સ્થાનિક મીડિયા અને ગ્રાઉન્ડ રિપોર્ટ્સ મુજબ આ એરસ્ટ્રાઈક માટે સૈન્યને જ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.

આ વિસ્તાર પર કબજો ધરાવતી અરાકાન આર્મી રખાઇન વંશીય લઘુમતીની સશસ્ત્ર ચળવળ છે, જે લાંબા સમયથી કેન્દ્ર સરકારથી સ્વાયત્તતા માંગે છે. સંગઠને નવેમ્બર 2023માં હુમલાઓની નવી લહેર શરૂ કરી, અને હાલ રખાઇનના 17માંથી 14 ટાઉનશિપ પર તેનું નિયંત્રણ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

આ એરસ્ટ્રાઈક ગૃહયુદ્ધને વધુ ઘેરુ અને અસંતુલિત બનાવે છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓએ આ ઘટનાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

Latest Stories