/connect-gujarat/media/media_files/2025/11/09/america-2025-11-09-17-08-38.jpg)
અમેરિકામાં ચાલી રહેલા સરકારી શટડાઉનને કારણે પરિસ્થિતિ દિવસેનાં દિવસ ખરાબ બનતી જઈ રહી છે.
રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચેની રાજકીય અડગાઈનો ખમિયો હવે સામાન્ય નાગરિકો ભરી રહ્યા છે. એર ટ્રાફિક કંટ્રોલરોની અછત અને વેતન વિના કામ કરતી સ્ટાફની સ્થિતિને કારણે દેશમાં 2000થી વધુ ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે, જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાઈ ગયા છે. ફેડરલ એવિયેશન ઓથોરિટી (FAA)ના જણાવ્યા મુજબ, હાલ 4 ટકા ફ્લાઇટ કેન્સલેશન રેટ છે, પરંતુ જો આ સ્થિતિ યથાવત્ રહી તો આવતા અઠવાડિયામાં આ આંકડો 10 ટકા સુધી પહોંચી શકે છે.
શેકડો એરલાઇન કંપનીઓએ તેમની ઉડાનો રદ કરવી પડી છે. અમેરિકન એરલાઇન્સે 220, ડેલ્ટાએ 170 અને સાઉથવેસ્ટે 100 જેટલી ફ્લાઈટ્સ રદ કરી છે. સૌથી વધુ અસર એટલાન્ટા, નેવાર્ક, શિકાગો, હ્યુસ્ટન અને લોસ એન્જલ્સના એરપોર્ટ્સ પર જોવા મળી છે. થેન્ક્સગિવિંગ ડે નજીક આવતા પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે. એર ટ્રાફિક કંટ્રોલરો પર વધતો દબાણ અને શટડાઉનથી થતી અડચણને કારણે વિમાન સેવાઓ લગભગ ઠપ થવાની કગાર પર છે. FAAએ ચેતવણી આપી છે કે જો સ્થિતિમાં સુધારો ન થાય તો ફ્લાઈટ ઓપરેશન્સ પૂરી રીતે બંધ કરવાની ફરજ પડશે.
આ શટડાઉનનો સીધો ફટકો દેશની અર્થવ્યવસ્થા અને નાગરિકોની રોજિંદી જિંદગી પર પડી રહ્યો છે. હજારો કર્મચારીઓ વેતન વગર ફરજ બજાવી રહ્યા છે, જ્યારે લાખો મુસાફરોને હવાઈ મુસાફરી માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સેનેટમાં આ મુદ્દે ઉકેલ લાવવા માટે વીકએન્ડ દરમિયાન બેઠક યોજાશે.
બીજી તરફ, ટ્રમ્પના તાજેતરના રાજકીય નિર્ણયોને લઈને કાનૂની ઝપાટા પણ ચાલુ છે. અમેરિકન સુપ્રીમ કોર્ટએ તાજેતરમાં ટ્રમ્પ દ્વારા પોતાના જ દેશમાં સેના તૈનાત કરવાનો આદેશ ગેરકાયદે જાહેર કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે “પોસે-કોમીટેટસ એક્ટ” અનુસાર આંતરિક મામલાઓમાં સેનાનો ઉપયોગ બંધારણવિરુદ્ધ છે. સતત રાજકીય અડગાઈ અને કાનૂની વિવાદ વચ્ચે અમેરિકન નાગરિકો મુશ્કેલીમાં છે, જ્યારે શટડાઉનના કારણે દેશની વ્યવસ્થા અસ્તવ્યસ્ત થવાની ભીતિ વધતી જઈ રહી છે.