અમેરિકાએ વર્ક પરમિટ 5 વર્ષથી 18 મહિના કર્યો, ભારતીયો માટે ઝટકો

નવા નિયમ મુજબ TPS ધારકો, પેરોલ પર આવેલા લોકો અને પેન્ડિંગ TPS અરજદારો માટે વર્ક પરમિટની માન્યતા હવે તેમના ઓથરાઈઝ સ્ટે મુજબ એક વર્ષ અથવા તેનાથી ઓછી રાખવામાં આવશે.

New Update
work permit

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ઈમિગ્રેશન નીતિઓએ ફરી એક વખત ભારતીય સહિત હજારો ઈમિગ્રન્ટ્સ માટે મુશ્કેલીઓ ઊભી કરી છે.

સત્તા સંભાળ્યા બાદથી જ ઈમિગ્રેશન સિસ્ટમમાં કડકાઈ લાવતી ટ્રમ્પ સરકારે હવે વર્ક પરમિટના મહત્તમ સમયગાળા પર મોટો પ્રહાર કર્યો છે. પહેલાં પાંચ વર્ષ સુધી મળતો એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (EAD) હવે માત્ર દોઢ વર્ષ, એટલે કે 18 મહિના માટે જ મળશે. સુરક્ષા તપાસને વધુ સખ્ત અને સંભવિત જોખમો પર નજર રાખવા માટે આ ફેરફાર જરૂરી હોવાનું યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (USCIS)એ જણાવ્યું છે. ખાસ કરીને શરણાર્થી, રાજ્યાશ્રય અથવા દેશનિકાલથી સ્ટે મેળવેલા લોકો હવે વારંવાર ચકાસણીઓમાંથી પસાર થશે, જેનાથી તેમની રોજગાર સ્થિરતા અને ભવિષ્યની યોજના બંને જોખમમાં મુકાઈ શકે છે.

નવા નિયમ મુજબ TPS ધારકો, પેરોલ પર આવેલા લોકો અને પેન્ડિંગ TPS અરજદારો માટે વર્ક પરમિટની માન્યતા હવે તેમના ઓથરાઈઝ સ્ટે મુજબ એક વર્ષ અથવા તેનાથી ઓછી રાખવામાં આવશે. આ બદલાવો 5 ડિસેમ્બર બાદ ફાઈલ થતી તમામ I-765 અરજીઓ પર તરત જ લાગુ થઈ જશે. USCISના અધિકારીઓનું માનવું છે કે ટૂંકા ગાળાના વર્ક પરમિટથી ઈએડી રિન્યુઅલ વધારે વાર થશે, જેના થકી સુરક્ષા જોખમની સમયસર ઓળખ કરી વિદેશી નાગરિકોની મૂંઝવણભરી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવી શકાશે. આ નિર્ણય સીધા જ અમેરિકામાં કાયદેસર રીતે કામ કરતા લોકોની જીવનવ્યવસ્થા પર અસર કરતો હોવાથી ભારતીય કોમ્યુનિટી સહિત હજારો પરિવાર અસુરક્ષાની સ્થિતિમાં આવી ગયો છે.

USCIS ડાયરેક્ટર જોસેફ એડલોએ જાહેર સુરક્ષાની દલીલ આપતાં કહ્યું કે વધુ કડક તપાસથી એવી વ્યક્તિઓની ઓળખ થઈ શકશે, જેઓ અમેરિકા માટે હાનિકારક હોઈ શકે છે અને એવા કેસોને દેશનિકાલ પ્રક્રિયામાં ઝડપી રીતે આગળ ધપાવી શકાશે. તેમણે તાજેતરમાં વોશિંગ્ટનમાં નેશનલ ગાર્ડના સૈનિકો પર હુમલો કરનાર એક વ્યક્તિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે બાઈડેન સરકારે તેને દેશમાં પ્રવેશ આપ્યો હતો, અને આવી ભૂલો ફરી ન થાય તે માટે નવા પગલા આવશ્યક છે.

ટ્રમ્પ સરકારે મેળવેલ અન્ય એક પગલામાં, દુનિયાભરના અમેરિકન દૂતાવાસોને સૂચના આપી છે કે ફેક્ટ-ચેકિંગ, કન્ટેન્ટ મોડરેશન, ઓનલાઈન સુરક્ષા અથવા કમ્પ્લાયન્સ જેવી ભૂમિકામાં કામ કરેલા અરજદારોના વિઝા રદ કરવા અથવા તેમને નકારી કાઢવા. આ નિયમ પત્રકારોથી લઈને સામાન્ય પ્રવાસીઓ સુધી તમામ પ્રકારના વિઝા પર લાગુ પડે છે. આ નવી નીતિઓને કારણે અમેરિકામાં કામ કરનારા અથવા ત્યાં ભવિષ્ય બનાવવાના સપના જોનાર ભારતીયો તથા બીજા દેશોના ઈમિગ્રન્ટ્સ માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બનવાની આશંકા વધી રહી છે.

Latest Stories