/connect-gujarat/media/media_files/2025/12/02/brics-2025-12-02-17-33-12.jpg)
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ BRICSને ‘એન્ટી અમેરિકન બ્લોક’ ગણાવીને વારંવાર 100% સુધીના ટેરિફ લાદવાની ધમકીઓ આપતા રહ્યા છે, છતાં દક્ષિણ-પૂર્વ એશિયાના મહત્વપૂર્ણ દેશ થાઇલેન્ડે BRICSમાં પૂર્ણ સભ્યપદ મેળવવા માટે પોતાની દોડ તેજ કરી છે.
આ દિશામાં થાઇલેન્ડે ભારતને ખાસ સમર્થનની વિનંતી કરી છે, કારણ કે ભારત 2026માં BRICSની અધ્યક્ષતા સંભાળશે અને જૂથમાં તેનું પ્રભાવશાળી સ્થાન છે.
પહેલી ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવેલા થાઇલેન્ડના વિદેશ મંત્રી સિહાસક ફુઆંગકેટકેઓએ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક દરમિયાન સ્પષ્ટ કર્યું કે થાઇલેન્ડ BRICSમાં જોડાવામાં ઊંડો રસ ધરાવે છે અને તેની અરજી પ્રક્રિયા માટે તેને ભારતના સક્રિય સમર્થનની જરૂર છે. થાઇ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમનો દેશ ASEAN, APEC, BIMSTEC જેવા મંચોને BRICS સાથે જોડતો વ્યૂહાત્મક સેતુ બની શકે છે અને આ દિશામાં ભારતની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.
BRICS તરફ થાઇલેન્ડની વધતી નજીકતા નવી નથી. ઓક્ટોબર 2024માં રશિયાના કાઝાનમાં યોજાયેલી સમિટમાં તેને 13 અન્ય દેશો સાથે BRICS 'પાર્ટનર કન્ટ્રી'નો દરજ્જો મળ્યો હતો, જે 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યો છે. ત્યારપછી 2024ના જૂનમાં તત્કાલીન વડાપ્રધાન શ્રેથા થાવિસિનના કાર્યકાળમાં BRICSમાં જોડાવા માટેનું ઔપચારિક ઈરાદાપત્ર પણ સોંપવામાં આવ્યું હતું. હવે બ્રાઝિલની 2025ની અધ્યક્ષતા દરમિયાન થાઇલેન્ડે પોતાની અરજી પ્રક્રિયા ઝડપી કરવાની જાહેરાત કરી છે. દેશ માનું છે કે BRICS સભ્યપદ તેને વેપાર, રોકાણ, પર્યટન, ઊર્જા અને ખાદ્ય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ઉભરતા અર્થતંત્ર સાથે વધુ ગાઢ સહકારની તક આપશે.
થાઇલેન્ડનો આ નિર્ણય સીધો ટ્રમ્પના દબાણને પડકારતો દેખાય છે. ટ્રમ્પે BRICSને સતત નિશાન બનાવ્યું છે—ક્યારે તેને ‘મૃત’ ગણાવ્યું, તો ક્યારે કહ્યું કે બધા દેશો તેમાંથી બહાર નીકળી રહ્યા છે. જાન્યુઆરી 2025માં તો તેમણે BRICSને યુએસ ડોલર પર ‘હુમલો’ ગણાવ્યો હતો.
આ બધા છતાં થાઇલેન્ડ જેવી ASEANની શક્તિશાળી અર્થવ્યવસ્થાનો BRICS તરફ વધતો ઝુકાવ દર્શાવે છે કે આ જૂથનું વૈશ્વિક રાજકીય અને આર્થિક મહત્વ ઘટવાનું તો દૂર, સતત વધતું જાય છે.