Connect Gujarat
દુનિયા

અમરેલી : પાણી વિનાની કુંડીઓ, વન્ય પ્રાણીઓ રહી જાય છે તરસ્યાં

રાજુલા અને જાફરાબાદમાં જંગલોમાં વન્યપ્રાણીઓ માટે બનાવવામાં આવેલી કુંડીઓમાં પાણી જ ભરવામાં આવતું નહિ હોવાની ફરિયાદ ઉઠી છે..

X

અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં જંગલોમાં વન્યપ્રાણીઓ માટે બનાવવામાં આવેલી કુંડીઓમાં પાણી જ ભરવામાં આવતું નહિ હોવાની ફરિયાદ ઉઠી છે..

અમરેલી જિલ્લામાં એશિયાટીક સિંહોની વસતીમાં વધારો થઇ રહયો છે. સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તે માટે રાજુલા તેમજ જાફરાબાદ વિસ્તારમાં જંગલમાં 30 જેટલી પાણીની કુંડીઓ બનાવવામાં આવી છે પણ કમનસીબી એ છે કે આ કુંડીઓમાં પાણી જ નથી.. જયારે કેટલીય કુંડીઓ તુટેલી હાલતમાં છે..

જંગલોમાં પાણીની કુંડીઓના ખસ્તાહાલ હોવાથી સિંહ સહિત અન્ય વન્યપ્રાણીઓ વાડીઓ કે રહેણાંક વિસ્તારોમાં આવી ચઢે છે. સિંહોને ગામલોકોએ ગંદા પાણી પીતા પણ જોયા છે. વન વિભાગની બેદરકારી સામે સિંહપ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ચુકી છે. આ વિસ્તારની પાણીની કુંડીઓ ખાલી હોવાને કારણે સિંહો ઉપર સંકટ ઉભું થયું છે. આ વિસ્તાર ખારોપાટ છે અને ઉદ્યોગો વધ્યાં હોવાથી પાણી પ્રદુષિત થયાં છે. જંગલ બહાર પાણી પીવા આવતાં સિંહો આવા પ્રદુષિત પાણીથી બિમાર પડી શકે છે..સિંહોને બચાવવાની મોટી મોટી વાતો કરતી રાજ્ય સરકાર પાણીની કુંડીઓ તાત્કાલીક ભરાવે તેવી માંગ ઉઠી છે..

રાજુલા અને જાફરાબાદએ વનિવભાગની અતિ મહત્વની રેન્જ છે.સમગ્ર મામલે વનવિભાગ સાથે વાતચીત કરવા માટેનો પ્રયાસ કરતાં જાણવા મળ્યું કે આ કચેરીમાં 6 મહિનાથી આરએફઓની જગ્યા જ ખાલી છે. કચેરીમાં અધિકારી જ નથી ત્યારે બીજી અપેક્ષા પણ શું રાખી શકાય.. સિંહ તથા અન્ય વન્યપશુઓ પાણી વિના મૃત્યુ પામે તે પહેલાં સરકાર જાગે તે જરૂરી છે.

Next Story