/connect-gujarat/media/media_files/2025/12/14/sydeny-2025-12-14-16-09-20.jpg)
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલા પ્રખ્યાત બોન્ડી બીચ પર ભીષણ સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાના અહેવાલ છે.
આ ઘટનાએ સમગ્ર ઓસ્ટ્રેલિયાને આઘાતમાં મુકી દીધું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરો બે સંખ્યામાં હતા અને તેમણે લગભગ 50 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ બીચ પર અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે ઇધર-ઉધર દોડતા નજરે પડ્યા હતા.
આ ગોળીબાર આઠ દિવસીય યહૂદી તહેવાર હનુક્કાહની પહેલી રાત્રે થયો હતો. સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ મુજબ, સાંજે આશરે 6:30 વાગ્યે (સ્થાનિક સમય) હુમલો થયો હતો, જ્યારે સેકડો લોકો તહેવારની શરૂઆતની ઉજવણી માટે બોન્ડી બીચ પર આયોજિત એક કાર્યક્રમમાં ભેગા થયા હતા. અચાનક થયેલા ગોળીબારથી ઉત્સવનો માહોલ પળોમાં જ ભય અને અંધાધૂંધમાં ફેરવાઈ ગયો હતો.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીસે ઘટનાને લઈને ગંભીર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘટનાસ્થળનું દ્રશ્ય “આઘાતજનક અને અત્યંત ભયાનક” હતું. વડા પ્રધાને કહ્યું કે તેઓએ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ (AFP)ના કમિશનર સાથે વાત કરી છે અને ન્યૂ સાઉથ વેલ્સ (NSW) પોલીસ સાથે નજીકથી સંકલન કરીને કામગીરી ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જેમ જેમ વધુ માહિતી મળશે તેમ જનતાને જાણ કરવામાં આવશે અને લોકોને પોલીસની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી.
ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ અને ઈમરજન્સી સેવાઓ તૈનાત કરવામાં આવી છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લઈ લેવાયો છે. સ્થાનિક અખબાર સિડની મોર્નિંગ હેરાલ્ડે રહેવાસીઓને ટાંકીને જણાવ્યું હતું કે, બોન્ડી વિસ્તારમાં 50થી વધુ ગોળીબારના અવાજ સંભળાયા હતા. સ્થાનિક રહેવાસી હેરી વિલ્સને અખબારને જણાવ્યું હતું કે તેમણે અનેક લોકોને જમીન પર પડેલા અને ચારેય તરફ લોહી ફેલાયેલું જોયું હતું.
આ હુમલાએ ઓસ્ટ્રેલિયામાં સુરક્ષા વ્યવસ્થા અને જાહેર સ્થળોની સલામતી અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. તહેવારની ઉજવણી દરમિયાન બનેલી આ ઘટના કારણે સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો છે અને લોકો પીડિતો તથા તેમના પરિવારજનો માટે પ્રાર્થના કરી રહ્યા છે. પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ માટે વિશાળ સ્તરે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જ્યારે ઘટનાના કારણો અને પૃષ્ઠભૂમિ અંગે તપાસ ચાલુ છે.