/connect-gujarat/media/media_files/2025/11/04/nepal-2025-11-04-15-17-56.jpg)
નેપાળના ઉત્તર-પૂર્વીય ભાગમાં આવેલા યાલુંગ રી પર્વત પર સોમવારે એક ભયાનક હિમસ્ખલનની ઘટના બની, જેમાં 7 પર્વતારોહકોનાં મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
દુર્ઘટના તે સમયે બની જ્યારે 5,630 મીટર ઊંચી ટોચના બેઝ કેમ્પ વિસ્તારમાં અચાનક બરફનો પહાડ તૂટી પડ્યો. આ હિમસ્ખલનમાં ઘણા લોકો બરફના ઢગલા નીચે દટાઈ ગયા, જ્યારે 4 લોકો હજી લાપતા હોવાનું સ્થાનિક પોલીસએ જણાવ્યું છે.
મૃતકોમાં 3 અમેરિકન, 1 કેનેડિયન, 1 ઇટાલિયન અને 2 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. આ માહિતી ડોલખા જિલ્લાની પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ વિસ્તાર બાગમતી પ્રાંતના રોલવાલિંગ વેલીમાં આવે છે, જે નેપાળના સૌથી મુશ્કેલ અને જોખમી ટ્રેકિંગ ઝોનમાં ગણાય છે. રેસ્ક્યુ ટીમો હાલ પણ ગુમ થયેલા લોકોની શોધખોળમાં લાગી છે, પરંતુ કઠોર હવામાન અને બરફીલા પરિસ્થિતિઓને કારણે બચાવ કાર્ય ધીમું પડી ગયું છે.
નેપાળી ન્યૂઝ પોર્ટલ *હિમાલયન ટાઇમ્સ* મુજબ, દુર્ઘટના સવારે લગભગ 9 વાગ્યે બની હતી. 15 લોકોની એક ટીમ ગૌરીશંકર અને યાલુંગ રી પર્વત તરફ આગળ વધી રહી હતી, ત્યારે અચાનક ભારે હિમસ્ખલન થયું અને ટીમ બેઝ કેમ્પ નજીક જ તેની ઝપેટમાં આવી ગઈ. સ્થાનિક વોર્ડ અધ્યક્ષ નિંગગેલી શેરપાના જણાવ્યા મુજબ, સવારે જ પ્રશાસનને મદદ માટે સૂચના આપવામાં આવી હતી, છતાં બચાવ અભિયાન મોડેથી શરૂ થયું. રોલવાલિંગ વિસ્તાર પ્રતિબંધિત ક્ષેત્ર હોવાથી હેલિકોપ્ટરને ઉડાનની પરવાનગી મેળવવામાં વિલંબ થયો, જેનાથી રેસ્ક્યુ ઓપરેશન વધુ મુશ્કેલ બન્યું.
પોલીસના જણાવ્યા મુજબ, નેપાળ આર્મી, નેપાળ પોલીસ અને આર્મ્ડ પોલીસ ફોર્સના દળોને બચાવ કાર્યમાં જોડવામાં આવ્યા છે. એક હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યું છે, પરંતુ ખરાબ હવામાન અને દૃશ્યતા ન હોવાને કારણે તે હજી સુધી દુર્ઘટનાસ્થળ સુધી પહોંચી શક્યું નથી. બચાવકર્મીઓ પગપાળા માર્ગે આગળ વધી રહ્યા છે અને લાપતા પર્વતારોહકોને શોધવાની કોશિશ કરી રહ્યા છે.
યાલુંગ રી પર્વત નેપાળ-તિબેટ સરહદની નજીક આવેલું છે અને તે એક તકનીકી રીતે પડકારજનક ટ્રેકિંગ વિસ્તાર માનવામાં આવે છે. અહીં ટ્રેકિંગ કરવા માટે વિદેશી પ્રવાસીઓને ખાસ પરમિટ લેવી ફરજિયાત છે. આ વિસ્તાર અગાઉથી જ એવલૉન્ચ-પ્રોન ઝોન તરીકે ઓળખાય છે. 2019માં અહીં ફ્રેન્ચ પર્વતારોહકોની એક ટીમ હિમસ્ખલનમાં ફસાઈ હતી, જ્યારે 2015ના ભૂકંપ પછી પણ આ રૂટ પર ઘણા પર્વતારોહકોનું મોત થયું હતું.
હાલમાં નેપાળ સરકાર અને રેસ્ક્યુ એજન્સીઓ સતત બચાવ કામગીરી ચાલુ રાખી રહી છે. જો કે, બરફીલા તોફાન અને હવામાનની અસ્થિરતાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ વધી રહી છે.