Connect Gujarat
દુનિયા

ચીનમાં રસ્તા પર લાગ્યા બેનર, જિનપિંગનો ભારે વિરોધ

કમ્યુનિસ્ટ પાર્ટીને ઉખાડી ફેંકવા તથા રાષ્ટ્રપતિ શી જિનપિંગ ને હટાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.

ચીનમાં રસ્તા પર લાગ્યા બેનર, જિનપિંગનો ભારે વિરોધ
X

ચીન પાંચ વર્ષમાં એક વાર યોજાતા કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાની કોંગ્રેસની તૈયારી કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સતત ત્રીજા કાર્યકાળ માટે પસંદ કરવામાં આવી શકે છે. પરંતુ આ મહત્વની બેઠક પહેલા શી જિનપિંગે મોટા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.રાજધાની બેઇજિંગના એક ચાર રસ્તા પર બેનરો લગાવી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વની ટીકા કરવામાં આવી છે.

ચીનમાં પ્રતિબંધિત ટ્વિટરની તસવીરોમાં એક રસ્તા પર ધુમાડો જોવા મળી રહ્યો છે અને એક બેનર જોવા મળી રહ્યું છે જેમાં કડક શૂન્ય કોવિડ નીતિને ખતમ કરવા અને કમ્યુનિસ્ટ પાર્ટીને ઉખાડી ફેંકવા તથા રાષ્ટ્રપતિ શી જિનપિંગ ને હટાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. બેઇજિંગના એક પત્રકારના ટ્વીટ અનુસાર બેનરમાં નારા હતા જેમાં ક્રાંતિકારી પરિવર્તન ની જરૂરિયાત અને આગળ વધારવાનું કહેવામાં આવ્યું છે. એક અન્ય બેનરમાં શી જિનપિંગ ને તાનાશાહી દેશદ્રોહી પણ કહેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો પ્રસારિત થયા બાદ અધિકારીઓએ બેનર હટાવી દીધા. એક મીડિયા રિપોર્ટ અનુસાર બેનરમાં લખવામાં આવ્યું હતું-

આવો અમે સ્કૂલ અને કામથી હડતાળ કરીએ અને તાનાશાહી ગદ્દાર જિનપિંગને હટાવી દઈએ. અમે કોવિડ ટેસ્ટ કરાવવા ઈચ્છતા નથી, અમે ભોજન કરવા ઈચ્છીએ છીએ. અમે લોકડાઉન ઈચ્છતા નથી, અમારી આઝાદી જોઈએ. આવા સમાચાર આવ્યા બાદ ગુરુવારે ચીનમાં ઇન્ટરનેટ સેન્સરે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ હટાવી દીધી. ચીનમાં રાજકીય વિરોધ દુર્લભ છે અને રવિવારથી શરૂ થનારા કમ્યુનિસ્ટ પાર્ટીના એક મુખ્ય સંમેલન માટે પોલીસ હાઈ એલર્ટ પર છે. આ બેનરો કોણે લગાવ્યા છે તે હજુ સુધી સામે આવ્યું નથી..

Next Story