/connect-gujarat/media/media_files/2025/12/05/putin-2025-12-05-17-01-31.jpg)
ભારત અને રશિયા વચ્ચે આર્થિક ભાગીદારીને નવી ઝડપ આપનાર ચેન્નઈ-વ્લાદિવોસ્તોક ઈસ્ટર્ન કોરિડોર પર તાજેતરમાં થયેલી ચર્ચા બંને દેશો માટે ઐતિહાસિક પગલું માની શકાય.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા દરમિયાન આ સમુદ્રી માર્ગને જલ્દી શરૂ કરવા પર સહમતિ થઈ હતી. આ નવો રૂટ માત્ર 10,370 કિમીનો હશે, જ્યારે હાલનો પરંપરાગત માર્ગ 16,060 કિમી લાંબો છે. એટલે કે લગભગ 5,700 કિમીની બચત અને પ્રવાસમાં સીધા 16 દિવસનો ઘટાડો થશે. અત્યાર સુધીભારતથી રશિયા સામાન મોકલવામાં 40 દિવસ જેટલો સમય લાગતો હતો, પરંતુ હવે જહાજો સરેરાશ 24 દિવસમાં વ્લાદિવોસ્તોક પહોંચી શકશે. વૈશ્વિક તણાવ વચ્ચે આ ઝડપી અને સુરક્ષિત વિકલ્પ ભારત માટે વ્યૂહાત્મક રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ છે.
મોદી-પુતિનની બેઠકમાં બંને દેશોએ વેપાર વધારવાની દિશામાં 2030 સુધી 100 અબજ ડોલર સુધીના ટ્રેડનું લક્ષ્ય નક્કી કર્યું છે, જે હાલમાં 60 અબજ ડોલર આસપાસ છે. આ કોરિડોર શરૂ થતાં જ તેમાં તેલ, ગેસ, કોલસા, મશીનરી, ધાતુ અને ઔદ્યોગિક ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં વિશાળ વૃદ્ધિ જોવા મળશે. ચેન્નઈથી મલક્કા ખાડી, દક્ષિણ ચીન સાગર અને જાપાન સાગર થઈને વ્લાદિવોસ્તોક પહોંચનાર આ માર્ગ માત્ર સુરક્ષિત જ નહીં પરંતુ આવનારા સમયમાં ભારત-રશિયા વેપાર માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે. નિષ્ણાતો માનતા છે કે આ કોરિડોર તબક્કાવાર અમલી બનશે અને એકવાર તેની કામગીરી પૂર્ણ ગતિએ શરૂ થઈ જાય, ત્યારબાદ બંને દેશોની સપ્લાય ચેઇન પહેલાં કરતાં અનેકગણી મજબૂત બનશે.
આ નવા રૂટની જરૂરિયાત છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ તાત્કાલિક બની ગઈ છે, કારણ કે ગાઝા યુદ્ધને કારણે સુએઝ નહેર રૂટ જોખમપૂર્ણ બન્યો છે અને યુક્રેન યુદ્ધને કારણે યુરોપીયન માર્ગો પણ અસ્થિર થયા છે. આવા સમયમાં ભારત માટે રશિયાનાં ઊર્જા સ્ત્રોતો સુધી પહોંચવાની સરળતા અત્યંત આવશ્યક બની ગઈ છે. નવા કોરિડોર દ્વારા રશિયામાંથી ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, કોલસા, ખાતર અને ધાતુ જેવા કાચામાલની આયાત સરળ બનશે, જે ભારતની ઊર્જા સુરક્ષા અને ઔદ્યોગિક વિકાસને વધુ સ્થિરતા આપશે.
ભારત તરફથી પણ આ રૂટ મારફતે મશીનરી, એન્જિનિયરિંગ ઉત્પાદનો, ઓટો-પાર્ટ્સ, કૃષિ સામાન, ટેક્સટાઇલ્સ અને દરિયાઈ ઉત્પાદનોની નિકાસમાં વધારો થશે. ખાસ કરીને દરિયાઈ ઉત્પાદનો અને એન્જિનિયરિંગ ગુડ્સને આ નવા માર્ગ દ્વારા વિશાળ આંતરરાષ્ટ્રીય બજાર મળશે. હાલનો 16,060 કિમી લાંબો સુએઝ નહેર માર્ગ સૌથી મોંઘો અને જોખમી બન્યો છે, જ્યારે ઈરાન મારફતેનો નોર્થ-સાઉથ કોરિડોર રાજકીય તણાવને કારણે સંપૂર્ણ સુરક્ષિત માનવામાં આવતા નથી.
ચેન્નઈ-વ્લાદિવોસ્તોક ઈસ્ટર્ન કોરિડોર આ તમામ પરંપરાગત સમસ્યાઓનો ઉત્તમ વિકલ્પ બની રહ્યો છે. નાનું અંતર, ઓછો સમય, સુરક્ષિત દરિયાઈ માર્ગ અને સ્થિર સપ્લાય ચેઇન — આ ચારેય પરિબળો ભારત-રશિયા આર્થિક ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જવા પૂરતા છે. આ પ્રોજેક્ટ માત્ર રૂટનો ફેરફાર નથી, પરંતુ એશિયા-પેસિફિક જેટલાં વિશાળ વિસ્તારમાં નવા વેપારી સંતુલનનું પ્રતીક બની રહ્યો છે.