થાઈ-કંબોડિયા સરહદે બોમ્બમારો યથાવત્, ટ્રમ્પનો સીઝફાયર દાવો થયો ફેલ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બંને દેશો વચ્ચે સીઝફાયર કરાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ મેદાન પરની સ્થિતિ આ દાવાને ખોટો સાબિત કરતી દેખાઈ રહી છે.

New Update
thai-comb

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેની વિવાદિત સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે અને હિંસક અથડામણો અટકવાનું નામ લઈ રહી નથી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બંને દેશો વચ્ચે સીઝફાયર કરાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ મેદાન પરની સ્થિતિ આ દાવાને ખોટો સાબિત કરતી દેખાઈ રહી છે. શનિવારે પણ સરહદી વિસ્તારોમાં ભારે બોમ્બમારો અને સૈન્ય ગતિવિધિઓ ચાલુ રહી હતી, જેને કારણે દક્ષિણ-પૂર્વ એશિયામાં નવી અસ્થીરતાનો ભય ઊભો થયો છે.

કંબોડિયાના માહિતી મંત્રાલયે સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે થાઈ સૈન્ય દળોએ સરહદ પાર હુમલાઓ બંધ કર્યા નથી. મંત્રાલયના જણાવ્યા મુજબ, શનિવારની સવારથી જ થાઈ સેનાએ વિવાદિત વિસ્તારોમાં ભારે બોમ્બમારો કર્યો છે અને આ હુમલાઓમાં ફાઇટર જેટ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “થાઈ સેનાઓએ હજી સુધી બોમ્બમારો બંધ કર્યો નથી અને હુમલાઓ સતત ચાલુ છે,” જે ટ્રમ્પના સીઝફાયર દાવા પર ગંભીર સવાલો ઊભા કરે છે.

બીજી તરફ, થાઈલેન્ડે કંબોડિયાના તમામ આરોપોને ફગાવી દીધા છે અને વળતો પ્રહાર કરતા કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ખુદ કંબોડિયા કરી રહ્યું છે. થાઈ સેનાના દાવા અનુસાર, કંબોડિયાઈ દળોએ નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા છે તેમજ સરહદી વિસ્તારોમાં લેન્ડમાઈન્સ બિછાવવાની કાર્યવાહી કરી છે. આ દાવાઓ વચ્ચે થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચાર્નવીરાકુલે ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું કે, “આ કોઈ રોડ એક્સિડન્ટ નથી કે જેમાં વાતચીતથી બધું સમાપ્ત થઈ જાય. સીઝફાયર નહીં, કાર્યવાહી ચાલુ રહેશે. જ્યાં સુધી અમારી જમીન અને અમારા લોકો માટેનો ખતરો સંપૂર્ણપણે ખતમ ન થાય, ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે.”

ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે રાત્રે થાઈ વડાપ્રધાન અનુતિન ચાર્નવીરાકુલ અને કંબોડિયાના વડાપ્રધાન હુન માનેત સાથે ટેલિફોન પર વાતચીત કર્યા બાદ દાવો કર્યો હતો કે બંને દેશો શુક્રવારથી જ તમામ પ્રકારની ગોળીબાર રોકવા માટે સહમત થઈ ગયા છે. જોકે, ટ્રમ્પના આ નિવેદન બાદ બંને દેશોના નેતાઓ તરફથી કોઈ પણ પ્રકારની ઔપચારિક સીઝફાયર સમજૂતીની પુષ્ટિ કરવામાં આવી નથી. થાઈ વડાપ્રધાને ખુલ્લેઆમ કહી દીધું કે કોઈ સીઝફાયર થયું નથી, જ્યારે થાઈ વિદેશ મંત્રાલયે પણ આ મુદ્દે વડાપ્રધાનના નિવેદનનો જ હવાલો આપ્યો.

કંબોડિયાના વડાપ્રધાન હુન માનેતે શનિવારે પોતાના ફેસબુક નિવેદનમાં કહ્યું હતું કે તેમનો દેશ હજી પણ વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છે છે. તેમણે ટ્રમ્પ સાથેની તાજેતરની વાતચીત અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે અગાઉ થયેલી ચર્ચાનો ઉલ્લેખ કર્યો હતો. માનેતે જણાવ્યું કે કંબોડિયા ઓક્ટોબરમાં કુઆલાલંપુરમાં થયેલા કરારના આધારે જ વિવાદ ઉકેલવા પ્રતિબદ્ધ છે. જોકે, સરહદ પર ચાલી રહેલા બોમ્બમારો અને વિરોધાભાસી નિવેદનોને જોતા, હાલ શાંતિ નજીક દેખાતી નથી અને ટ્રમ્પનો સીઝફાયર દાવો માત્ર રાજકીય નિવેદન પૂરતો જ રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

Latest Stories