અમેરિકામાં કાર્ગો વિમાન ક્રેશ: આગમાં 3નાં મોત અને 11 ઘાયલ, તપાસ માટે NTSBની ટીમ સ્થળે

અમેરિકાના કેન્ટુકી રાજ્યના લુઇસવિલે શહેરમાં મંગળવારે સાંજે ભયાનક વિમાન દુર્ઘટના બની હતી, જેમાં UPS ફ્લાઇટ 2976 નામનું કાર્ગો વિમાન ટેકઓફ કર્યા પછી થોડા જ ક્ષણોમાં ક્રેશ થયું હતું.

New Update
america

અમેરિકાના કેન્ટુકી રાજ્યના લુઇસવિલે શહેરમાં મંગળવારે સાંજે ભયાનક વિમાન દુર્ઘટના બની હતી, જેમાં UPS ફ્લાઇટ 2976 નામનું કાર્ગો વિમાન ટેકઓફ કર્યા પછી થોડા જ ક્ષણોમાં ક્રેશ થયું હતું.

યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના જણાવ્યા અનુસાર, મેકડોનેલ ડગ્લાસ MD-11 મોડલનું વિમાન લુઇસવિલેના મુહમ્મદ અલી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી હોનોલુલુના ડેનિયલ કે. ઇનોયે એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. ટેકઓફ દરમિયાન અચાનક એન્જિનમાં આગ લાગી અને વિમાન તૂટી પડતાં જ ભારે વિસ્ફોટ થયો. દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં કાળો ધુમાડો છવાઈ ગયો હતો, અને 5 માઇલના વિસ્તારને ખાલી કરાવવાનો આદેશ આપવો પડ્યો હતો. CNNના અહેવાલ મુજબ, કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત અને 11 લોકો ઘાયલ થયાની પુષ્ટિ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે, કારણ કે કેટલાક લોકોની ઇજાઓ ગંભીર સ્વરૂપની છે.

લુઇસવિલે મેટ્રો પોલીસે સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું કે ઘટના બાદ બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી અને દરેક ઇમરજન્સી એજન્સી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સોશ્યલ મીડિયામાં શેર થયેલા વિડિઓ અને ફોટોઝમાં વિમાનના ડાબા એન્જિનમાંથી જ્વાળાઓ ઉછળતી અને કાળા ધુમાડાના ગોટા આકાશમાં ફેલાતા જોવા મળ્યા હતા. સ્થાનિક ન્યૂઝ ચેનલ WLKYના હવાઈ દૃશ્યોમાં પણ વિમાન સંપૂર્ણ રીતે તૂટી ગયેલું અને અગ્નિશામક દળ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. યુએસ ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફીએ આ દુર્ઘટનાને “હૃદયદ્રાવક” ગણાવી શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે FAA અને NTSBની ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે. તેમણે લુઇસવિલેના રહેવાસીઓ તથા ફ્લાઇટ ક્રૂ માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. UPS કંપનીએ પુષ્ટિ કરી છે કે વિમાનમાં ત્રણ ક્રૂ સભ્યો હાજર હતા અને હાલમાં અધિકારીઓ સાથે મળીને દુર્ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે.

લુઇસવિલે UPS માટે મુખ્ય વિમાનમથક છે, જ્યાંથી દરરોજ 2,000 જેટલી ફ્લાઇટ્સ વિશ્વભરના 200 દેશોમાં મોકલવામાં આવે છે. UPS પાસે કુલ 516 વિમાનોનો કાફલો છે, જેમાંથી મોટાભાગના તેની પોતાની માલિકીના છે. આ અકસ્માત એ સમયે થયો છે જ્યારે અમેરિકામાં સરકારી શટડાઉન અને એર ટ્રાફિક કંટ્રોલર્સની અછતને કારણે ઉડ્ડયન ક્ષેત્રમાં ગડબડ ચાલી રહી છે. ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરીએ અગાઉ ચેતવણી આપી હતી કે આ પરિસ્થિતિ “મોટા પાયે અરાજકતા” તરફ દોરી શકે છે. હાલ NTSB તપાસનું નેતૃત્વ કરી રહી છે અને પ્રાથમિક અહેવાલ મુજબ ટેકઓફ સમયે વિમાનના એન્જિનમાં તકનિકી ખામી મુખ્ય કારણ હોઈ શકે છે. સરકાર અને સ્થાનિક તંત્રોએ લોકોને શાંત રહેવા અને બચાવ કામગીરીમાં સહકાર આપવા વિનંતી કરી છે.

Latest Stories