/connect-gujarat/media/media_files/2025/12/27/thai-com-2025-12-27-14-11-37.jpg)
એશિયાના બે પડોશી દેશો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ વચ્ચે યુદ્ધવિરામ (સીઝ ફાયર)ની જાહેરાત થતાં બંને દેશોના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
શનિવારે બંને દેશોએ તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ લાગુ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. આ નિર્ણય બંને દેશોના રક્ષા મંત્રીઓ દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદન મારફતે સામે આવ્યો છે. સ્થાનિક સમય પ્રમાણે 27 ડિસેમ્બરના બપોરે 12 વાગ્યાથી આ સીઝ ફાયર અમલમાં આવશે. છેલ્લા કેટલાંક અઠવાડિયાઓથી સરહદ પર વધતા તણાવ અને રક્તપાત વચ્ચે આ નિર્ણયને મહત્વપૂર્ણ કૂટનૈતિક પગલું માનવામાં આવી રહ્યું છે.
કંબોડિયા તરફથી જાહેર કરાયેલા સ્પેશિયલ જનરલ બોર્ડર કમિટીના નિવેદન મુજબ, બંને પક્ષોએ સ્પષ્ટ રીતે નિર્ણય લીધો છે કે હવે તમામ પ્રકારના હથિયારોના ઉપયોગ પર તાત્કાલિક પ્રતિબંધ રહેશે. નાગરિકો, રહેણાંક વિસ્તારો, સરકારી ઢાંચાઓ કે સેનાના કોઈ પણ ઠેકાણાં પર હુમલા નહીં કરવામાં આવે. યુદ્ધવિરામ દરેક વિસ્તારમાં અને દરેક સ્થિતિમાં લાગુ રહેશે. બંને દેશોએ આ નિર્ણયનું સંપૂર્ણ પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેથી સરહદી વિસ્તારોમાં ફરી શાંતિ સ્થાપી શકાય.
આ સીઝ ફાયર એવા સમયે જાહેર થયો છે, જ્યારે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ડિસેમ્બરની શરૂઆતથી જ સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. છેલ્લા લગભગ 20 દિવસથી બંને દેશોની સેનાઓ વચ્ચે ભારે સંઘર્ષ ચાલી રહ્યો હતો, જેમાં બંને તરફથી મળીને 101થી વધુ લોકોના મોત થયાના અહેવાલો છે. આ હિંસક અથડામણોના કારણે સરહદ વિસ્તારમાં વસતા પાંચ લાખથી વધુ લોકો પોતાના ઘર છોડીને સલામત સ્થળોએ ખસેડાવા મજબૂર થયા હતા. સતત ગોળીબાર અને સૈન્ય કાર્યવાહીથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું.
થાઈલેન્ડ અને કંબોડિયાએ સંયુક્ત નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે હાલ સરહદ પર જે સૈનિકો તહેનાત છે તે યથાવત્ રહેશે, પરંતુ તેમાં કોઈ વધારો નહીં કરવામાં આવે અને ન તો સૈન્ય ગતિવિધિઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે. બંને દેશોએ સ્વીકાર્યું છે કે જો સૈન્ય શક્તિમાં વધારો કરવામાં આવશે તો સંઘર્ષ વધુ ઘેરો બનશે, જે લાંબા ગાળાના શાંતિપૂર્ણ સમાધાનના પ્રયાસોને ગંભીર રીતે નુકસાન પહોંચાડશે. યુદ્ધવિરામના એલાન બાદ હજારો પરિવારોમાં હાશકારો થયો છે, કારણ કે છેલ્લા કેટલાંક અઠવાડિયાઓથી ઘરવિહોણા બનેલા લોકો હવે ફરી પોતાના ગામો અને ઘરોમાં પરત ફરી શકશે તેવી આશા જગી છે.
અહેવાલો અનુસાર, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી વિવાદ દાયકાઓથી ચાલે છે. વિવાદિત વિસ્તારમાં આવેલા ‘ચોંગ આન મા’ ક્ષેત્રમાં ભગવાન વિષ્ણુની એક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, જેને લઈને તણાવ વધ્યો હતો. થાઈ સેનાએ તાજેતરમાં આ પ્રતિમાને તોડી પાડ્યાનો અથવા હટાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ વિસ્ફોટક બની ગઈ હતી. આ પહેલાં પણ પ્રેહ વિહાર (Preah Vihear) મંદિરને લઈને બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં લાંબી કાનૂની લડાઈ ચાલી ચૂકી છે.
1962માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે ચુકાદો આપ્યો હતો કે પ્રેહ વિહાર મંદિર પર કંબોડિયાનું સાર્વભૌમત્વ રહેશે, પરંતુ મંદિરની આસપાસની જમીન અંગે સ્પષ્ટતા ન થવાથી બંને દેશોએ પોતાના અલગ અલગ અર્થઘટન કર્યા અને વિવાદ યથાવત્ રહ્યો. ભારત સહિત અનેક દેશોની ચિંતા એ છે કે દક્ષિણ-પૂર્વ એશિયામાં ફેલાયેલા હિન્દુ અને બૌદ્ધ સાંસ્કૃતિક ચિહ્નો રાજકીય અને સૈન્ય વિવાદોના ભોગ ન બને. હાલ યુદ્ધવિરામના પગલાંથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે થાઈલેન્ડ અને કંબોડિયા ફરી વાતચીતના ટેબલ પર બેસીને સરહદી વિવાદનો શાંતિપૂર્ણ અને સ્થાયી ઉકેલ શોધશે.