/connect-gujarat/media/media_files/2025/11/25/japan-2025-11-25-16-05-45.jpg)
ચીન અને જાપાન વચ્ચે તાઈવાન મુદ્દે વધતા તણાવને પગલે એશિયાઈ રાજકારણમાં નવા સંકટની પરિસ્થિતિ ઊભી થઈ છે. બંને દેશો છેલ્લા કેટલાક મહિનાથી પરસ્પર પ્રતિકારાત્મક નિવેદનો આપતા રહ્યાં છે, જે હવે સૈન્ય સ્તરે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ટોક્યોના નિર્ણય મુજબ, જાપાને તેના સૌથી દક્ષિણના અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના યોનાગુની દ્વિપ પર નવી મિસાઇલ સિસ્ટમ તૈનાત કરી છે.
તાઈવાનથી માત્ર 112 કિલોમીટર દૂર આવેલો આ દ્વિપ એશિયાના ભૂરાજકીય દ્રશ્યમાં કેન્દ્રસ્થાન ધરાવે છે. જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઇઝમીએ આ સૈન્ય મથકની મુલાકાત દરમિયાન સ્પષ્ટ કર્યું કે મિસાઇલ્સ તૈનાત કરવાનો હેતુ હુમલો કરવો નહીં, પરંતુ સંભવિત ચીનના હુમલાની આશંકા ઘટાડવી છે. પરંતુ તણાવના હાલના માહોલમાં આ પગલું ચીન માટે સ્પષ્ટ સંદેશ સમાન છે.
યોનાગુની દ્વિપ જાપાનની દક્ષિણ સુરક્ષા શ્રૃંખલાનો અવિભાજ્ય ભાગ છે અને તે અમેરિકાની ઈન્ડો-પેસિફિક રણનીતિ માટે પણ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વ ધરાવે છે. આ દ્વિપ ચીનની પ્રથમ દ્વિપ શ્રેણીના સીધા સમક્ષ આવેલો છે, જ્યાંથી તાઈવાન, પૂર્વ ચાઈનાસાગર અને તાઈવાન સમુદ્રધુનિ પર નજર રાખવી સરળ બને છે.
જાપાન પહેલેથી જ નજીકના ઇશિગાકી અને મિયાકો દ્વિપો પર એન્ટી-શિપ મિસાઇલ્સ અને એર સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરી ચૂક્યું છે, જે દર્શાવે છે કે જાપાન પોતાના દક્ષિણ સમુદ્ર ક્ષેત્રોને મજબૂત બનાવવા વ્યૂહાત્મક ભૂમિકા નિભાવતું રહ્યું છે. અમેરિકાની સાથેના સંયુક્ત સૈન્ય અભિયાનોના દ્રષ્ટિકોણથી પણ યોનાગુનીનું સ્થાન અત્યંત સંવેદનશીલ છે અને જો તાઈવાન ક્ષેત્રમાં સંકટ વધે તો આ દ્વિપ નિર્ણાયક સાબિત થઈ શકે છે.
ચીન તરફથી પણ જાપાનના હાલના વલણ પર આક્રમક પ્રતિભાવ મળ્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ ચીએ જાપાનના રાજકારણીઓના નિવેદનોને “ઉશ્કેરણીજનક અને જોખમી” ગણાવ્યા છે. વાંગ ચીએ જણાવ્યું કે તાઈવાનની નાકાબંધી અંગે જાપાનના નેતાઓ દ્વારા કરવામાં આવેલા નિવેદનો ચીનની પ્રતિક્રિયાનું કારણ બની શકે છે. ખાસ કરીને જાપાનના વડાપ્રધાન પદના દાવેદાર તાકાઈચી દ્વારા ચીનની નૌસેનાને પડકારતા આપેલા નિવેદનોને ચીને ગંભીરતાથી લીધા છે. ચીન માને છે કે જાપાન તાઈવાન મુદ્દે સૈન્ય હસ્તક્ષેપની ધમકી આપીને વિસ્તારમાં ખોટો સંદેશ ફેલાવી રહ્યું છે અને તે કોઈપણ પ્રોત્સાહક પગલાંનો જડબાતોડ જવાબ આપશે.
ચીન-જાપાન વચ્ચેનું આ વધતું તણાવ હવે માત્ર રાજકીય વિવાદ નથી રહ્યું; તે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં સૈન્ય સંતુલનને સીધો પડકાર છે. તાઈવાન મુદ્દે અમેરિકા, જાપાન અને ચીન વચ્ચેનું ત્રિકોણીય તણાવ જેવું જેમ વિકસતું જાય છે, તે આગામી સમયમાં આખા વિસ્તારમાં સુરક્ષા માળખાને અસર કરી શકે છે. યોનાગુની પર મિસાઇલ તૈનાતી સાથે આ સંકટનું નવું અધ્યાય શરૂ થયું છે, જે એશિયાની સ્થિરતાને લાંબા ગાળે અસર કરી શકે છે.