અમેરિકાની સતત એરસ્ટ્રાઇક્સથી પૂર્વી પ્રશાંતમાં ચિંતા: ડ્રગ કાર્ટેલ્સ પર વધ્યો દબાવ

શનિવારે થયેલા આ હુમલામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે સપ્ટેમ્બરની શરૂઆતથી અત્યાર સુધીમાં આવા 21 હુમલાઓમાં કુલ 83થી વધુ લોકો પ્રાણ ગુમાવી ચૂક્યા છે.

New Update
23541

અમેરિકાએ પૂર્વી પ્રશાંત મહાસાગરમાં ડ્રગ્સ લઈ જતી એક બોટ પર કરેલા તાજેતરના એરસ્ટ્રાઇકથી આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી ચર્ચા જાગી છે.

શનિવારે થયેલા આ હુમલામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે સપ્ટેમ્બરની શરૂઆતથી અત્યાર સુધીમાં આવા 21 હુમલાઓમાં કુલ 83થી વધુ લોકો પ્રાણ ગુમાવી ચૂક્યા છે. અમેરિકી સેનાએ રવિવારે આ માહિતી જાહેર કરતાં જણાવ્યું કે આ કાર્યવાહી સીધી રીતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ હેઠળ ચાલી રહી છે. અમેરિકન વહીવટીતંત્રનો દાવો છે કે વેનેઝુએલાથી યુએસ સુધી પહોંચતા ડ્રગ્સના માર્ગોને તોડી પાડવા આ પગલાં અનિવાર્ય હતા. યુએસ ન્યાય વિભાગે પણ આ કાર્યવાહીનું સમર્થન કરતા જણાવ્યું કે ઓપરેશનમાં સામેલ કોઈપણ અમેરિકન સૈનિક પર કાનૂની કાર્યવાહી નહીં થાય, કારણ કે આ કામગીરી અમેરિકાની આંતરિક સુરક્ષાને રક્ષા કરવા માટે જરૂરી ગણાય છે.

યુએસ સધર્ન કમાન્ડે હુમલાનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં બોટ પર કરવામાં આવેલા ચોક્કસ નિશાનાવાળા હુમલા બાદ ભારે વિસ્ફોટ જોવા મળે છે. બોટ ટુકડા-ટુકડા થઈ જતાં તરત જ આગ ભભૂકી ઉઠી હતી. માર્યા ગયેલા લોકોની ઓળખ અથવા તેમની રાષ્ટ્રીયતા જાહેર નહોતી કરવામાં આવી. આ હુમલાઓની સીધી જવાબદારી લેતા ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે "મારા આદેશ પર અમેરિકન સેનાએ નાર્કો-આતંકવાદીઓ અને ડ્રગ્સ દાણચોરી કરતી સંસ્થાઓને નિશાન બનાવી નેસ્તનાબૂદ કરી છે."

અમેરિકન ડિફેન્સ સચિવ પીટ હેગસેથે જણાવ્યું કે 10 નવેમ્બરના હુમલામાં પણ બે શંકાસ્પદ બોટમાંથી મોટી માત્રામાં કોકેઇન જપ્ત કરવામાં આવી હતી, અને આ બોટો આતંકી સંગઠનો સાથે જોડાયેલી હતી. આ વચ્ચે યુએસ કોંગ્રેસ અને માનવાધિકાર સંગઠનો એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આંતરરાષ્ટ્રીય પાણીમાં કરવામાં આવતા આવા હુમલાઓનો કાયદાકીય આધાર કેટલો મજબૂત છે. તેમના મુજબ યુદ્ધ ક્ષેત્રની બહાર હવાઈ હુમલા કરવાં અમેરિકન કાયદા તેમજ આંતરરાષ્ટ્રીય નીતિઓ સાથે સજ્જડ વિરુદ્ધ જઈ શકે છે.

ટ્રમ્પ વહીવટીતંત્રનો દાવો છે કે તેમની પાસે સંપૂર્ણ કાનૂની સત્તા છે, અને રાજ્ય સચિવ માર્કો રુબિયોએ વેનેઝુએલાના “કાર્ટેલ ડે લોસ સોલ્સ”ને સત્તાવાર રીતે વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યા છે. આ ઘોષણાનાં પરિણામે અમેરિકામાં આ સંગઠનને ટેકો આપનાર દરેક વ્યક્તિ સીધો ગુનેગાર ગણાશે. યુએસનો આરોપ છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો આ ડ્રગ કાર્ટેલનું નેતૃત્વ કરે છે — પરંતુ માદુરો સરકાર આ દાવાને સખતપણે નકારી રહી છે. અમેરિકન અધિકારીઓ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેનેઝુએલાવિરુદ્ધ સંભવિત લશ્કરી વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

આ વચ્ચે, અમેરિકાએ કેરેબિયન સમુદ્રમાં પોતાની લશ્કરી હાજરી પણ વધારી છે, જેમાં યુદ્ધ જહાજો, ફાઇટર જેટ્સ અને પરમાણુ સબમરીનનો સમાવેશ થાય છે. બ્રિટિશ વર્જિન ટાપુઓની નજીક દેખાતી આ વિશાળ તૈનાતી અત્યાર સુધીની સૌથી મોટી માનવામાં આવી રહી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આ પગલું માત્ર ડ્રગ્સ-વિરોધી અભિયાનને મજબૂત કરવા માટે છે, પરંતુ સાથી દેશોએ આ વધતી સૈન્ય કામગીરીથી પ્રાદેશિક સ્થિરતા અને દરિયાઈ સુરક્ષાને ખતરાની આશંકા વ્યકત કરી છે.

Latest Stories