દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં વિનાશ વેર્યો, 56ના મોત અને 20થી વધુ ગુમ

હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે દિતવાહ વાવાઝોડું હજુ વધુ શક્તિશાળી બનવાની શક્યતા છે અને આગામી 12 કલાકમાં તેનો દબદબો વધીને વધુ વિનાશ સર્જી શકે છે

New Update
shrilanka

દિતવાહ વાવાઝોડાએ ભારતના પડોશી દેશ શ્રીલંકાને ભારે તારાજીનો સામનો કરાવ્યો છે. દેશના અનેક ભાગોમાં ભારે પવન અને મોસળધાર વરસાદે હાહાકાર મચાવતાં 56 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 20થી વધારે લોકો હજુ પણ ગુમ છે.

શ્રીલંકાની આફત વ્યવસ્થાપન સંસ્થાઓએ જણાવ્યું છે કે બચાવ દળો સતત શોધખોળમાં વ્યસ્ત છે, પરંતુ ખરાબ વાતાવરણ તેમની કામગીરીને વધુ મુશ્કેલ બનાવી રહ્યું છે.

હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે દિતવાહ વાવાઝોડું હજુ વધુ શક્તિશાળી બનવાની શક્યતા છે અને આગામી 12 કલાકમાં તેનો દબદબો વધીને વધુ વિનાશ સર્જી શકે છે.

વાવાઝોડાની વિનાશક અસર એટલી ગંભીર છે કે શ્રીલંકાએ સુરક્ષા અને રાહત કામગીરીને ધ્યાનમાં રાખીને અનેક સેવાઓ સ્થગિત કરી છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના જોખમને પગલે કાયદો વ્યવસ્થા સંસ્થાઓએ દેશભરમાં શાળા-કોલેજો બંધ રાખવાનું જાહેર કર્યું છે. રેલવે સેવા સંપૂર્ણપણે અટકાવવામાં આવી છે અને અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધસી પડવાના કારણે પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. વાવાઝોડાની ગંભીરતાને કારણે કોલમ્બોની પાંચ ફ્લાઈટને ભારતના તિરુવનંતપુરમ એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની નોબત આવી હતી. ઘણાં વિસ્તારોમાં લોકો પોતાના ઘરો છોડીને સરકારી શેલ્ટર્સ અને સ્કૂલો જેવા સલામત સ્થળોએ આશરો લઈ રહ્યા છે, કારણ કે સતત વરસાદ અને તોફાની પવનને કારણે સામાન્ય જીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે.

શ્રીલંકા પછી હવે વાવાઝોડું દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ભારતના દરિયાકાંઠાની રાજ્યોમાં ચિંતા વધી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, વાવાઝોડું રવિવારે વહેલી સવારે દક્ષિણ ભારતીય કિનારે પહોંચવાની શક્યતા છે. તમિલનાડુમાં ખાસ કરીને 29 અને 30 નવેમ્બરનો સમય ખુબ જ જોખમકારક ગણાયો છે, કારણ કે આ બે દિવસ દરમ્યાન અતિભારે વરસાદ અને તોફાની પવનના કારણે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. રાજ્ય સરકારોએ દરિયાકાંઠાના જિલ્લાઓને સાવચેત રહેવા સૂચના આપી છે અને નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા વધારી છે.

હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન ઉતરવા ચેતવણી આપવામાં આવી છે. કેન્દ્રીય અને રાજ્ય સરકારોએ ખેડૂતોને પાક નુકસાન ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા અનુરોધ કર્યો છે. સામાન્ય નાગરિકોને પણ વીજળીના થાંભલા, જૂના વૃક્ષો અને ખુલ્લા વિસ્તારોમાં ઉભા ન રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે, કારણ કે ભારે પવન અને વીજળી પડવાની શક્યતા વધવાની છે. વાવાઝોડાની આવક પહેલાં જ દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો છે, જેથી આગામી બે-ત્રણ દિવસ વિસ્તાર માટે પડકારરૂપ બનવાના છે.

Latest Stories