સીરિયામાં ISISનો ઘાતક હુમલો: બે અમેરિકન સૈનિકો અને નાગરિકનું મોત

સ્થાનિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો છે, જોકે તેની ઓળખ અને ઘટનાક્રમ અંગે હજી સુધી સત્તાવાર રીતે વિગત જાહેર કરવામાં આવી નથી.

New Update
attack

સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) દ્વારા કરાયેલા આતંકવાદી હુમલામાં બે અમેરિકન સૈનિકો અને એક અમેરિકન નાગરિકના મોત થયા છે, જ્યારે ત્રણ અન્ય લોકો ઘાયલ થયા હોવાનું અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે પુષ્ટિ કરી છે.

સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા મુજબ, બશર અલ-અસદને પદભ્રષ્ટ કર્યાના એક વર્ષ બાદ સીરિયામાં અમેરિકન સૈનિકો પર થયેલો આ પહેલો મોટો હુમલો છે, જેને કારણે વોશિંગ્ટન સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર નિવેદન આપીને જણાવ્યું હતું કે, મૃતક સૈનિકોની ઓળખ આગામી 24 કલાક સુધી જાહેર કરવામાં નહીં આવે, જેથી પહેલા તેમના પરિવારજનોને જાણ કરી શકાય. આ પ્રક્રિયા યુદ્ધ વિભાગની સ્થાપિત નીતિ અનુસાર કરવામાં આવી રહી છે. બીજી તરફ, સીરિયાની સરકારી મીડિયાના અહેવાલો મુજબ, અમેરિકન સૈનિકોની મુલાકાત દરમિયાન મધ્ય સીરિયાના ઐતિહાસિક શહેર પાલમિરા નજીક ગોળીબાર થયો હતો. આ હુમલામાં સીરિયન સુરક્ષા દળોના ઓછામાં ઓછા બે કર્મચારીઓ તેમજ અનેક અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારને તાત્કાલિક સુરક્ષા ઘેરામાં લઈ લેવાયો હતો.

સ્થાનિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો છે, જોકે તેની ઓળખ અને ઘટનાક્રમ અંગે હજી સુધી સત્તાવાર રીતે વિગત જાહેર કરવામાં આવી નથી. એક અમેરિકન સંરક્ષણ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે વોશિંગ્ટન આ અહેવાલોથી વાકેફ છે, પરંતુ હાલ સુધી જાહેર કરવા માટે પૂરતી પુષ્ટિ થયેલી માહિતી ઉપલબ્ધ નથી. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ હુમલાને લઈને કડક પ્રતિક્રિયા આપી છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ ISIS દ્વારા કરાયેલો હુમલો છે અને તેના માટે વળતો જવાબ આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ’ પર લખ્યું હતું કે, આ હુમલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, બશર અલ-અસદની સરકારના પતન બાદ સીરિયામાં અમેરિકન સૈનિકો પર આ પ્રકારનો પહેલો હુમલો છે. પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તાએ પણ જણાવ્યું હતું કે આ હુમલો ખાસ કરીને આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં જોડાયેલા અમેરિકન સૈનિકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.

આ હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવતા રિપબ્લિકન સેનેટર જોની બેરોએ જણાવ્યું હતું કે, મૃતક સૈનિકો આયોવા નેશનલ ગાર્ડના હતા અને તેમનું મોત દેશ માટે ભારે દુઃખદ છે. તેમણે કહ્યું હતું કે ઘાયલ થયેલા તમામ લોકોની સારવાર ચાલુ છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે પણ સ્પષ્ટ કર્યું છે કે આ એક આતંકવાદી હુમલો હતો અને જવાબી કાર્યવાહીમાં હુમલાખોરનું મોત થયું છે.

બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ સીરિયન સુરક્ષા કર્મચારીઓ અને અનેક અમેરિકન નાગરિકો ઘાયલ થયા હતા. સંસ્થાએ એવો પણ દાવો કર્યો છે કે હુમલાખોર સીરિયન સુરક્ષા દળોનો જ એક સભ્ય હતો, જે ઘટનાને વધુ જટિલ અને ચિંતાજનક બનાવે છે.

ઉલ્લેખનીય છે કે ઇસ્લામિક સ્ટેટ સામેના અભિયાનના ભાગરૂપે અમેરિકા પૂર્વ સીરિયામાં હજુ પણ ઘણા સો સૈનિકો તૈનાત રાખે છે. 2019માં ISISનો પ્રાદેશિક પરાજય થયો હોવા છતાં, તેના સ્લીપર સેલ હજુ પણ સક્રિય છે અને સમયાંતરે ઘાતક હુમલાઓ કરે છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ, સીરિયા અને ઇરાકમાં હજુ પણ 5,000થી 7,000 જેટલા ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓ હાજર છે, જે મધ્ય પૂર્વની સુરક્ષા માટે સતત ગંભીર ખતરો બની રહ્યા છે.

Latest Stories