/connect-gujarat/media/media_files/2025/11/24/pm-modi-2025-11-24-16-48-38.jpg)
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલા જી–20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા પ્રયોગ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે સ્પષ્ટ જણાવ્યું કે વિશ્વભરમાં એઆઈનો દુરુપયોગ, ખાસ કરીને ડીપફેક, ગુના અને આતંકવાદમાં તેનો વધતો ઉપયોગ, માનવતા માટે ઘાતક બની રહ્યો છે. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વૈશ્વિક સ્તરે ગ્લોબલ એઆઈ કોમ્પેક્ટની જરૂરિયાત હોવાનું તેઓએ ભારપૂર્વક કહ્યું.
પીએમ મોદીએ ટેક્નોલોજીને નફાકારક સાધન નહીં પરંતુ માનવ–કેન્દ્રિત વિકાસના સાધન તરીકે અપનાવવાની માંગણી કરી અને વિકાસ 'એક્સક્લુઝિવ મોડેલ'ને બદલે પૂર્ણપણે 'ઓપન સોર્સ' આધારિત હોવો જોઈએ એવો પણ મહત્વનો સુચન કર્યો.
તેમણે ઉમેર્યું કે જો એઆઈ સિસ્ટમો માનવ જીવન, સુરક્ષા અને જાહેર વિશ્વાસ પર સીધો પ્રભાવ પાડી રહી હોય, તો આ બધા મોડેલો સંપૂર્ણપણે જવાબદાર, ઓડિટેબલ અને પારદર્શક હોવા જોઈએ. એઆઈના દુરુપયોગને રોકવા વૈશ્વિક સમજૂતી જરૂરી છે અને તે ત્રણ મુખ્ય સિદ્ધાંતો પર આધારિત હોવી જોઈએ:
પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે અંતિમ નિર્ણય કરવાનો અધિકાર હંમેશા માણસ જ હોવો જોઈએ, મશીન નહીં.
આગળ તેમણે જણાવ્યું કે ભારતે પોતાના ટેક્નોલોજી ઈકોસિસ્ટમમાં આ વિઝનને સફળતાપૂર્વક અમલમાં મૂક્યું છે. સ્પેસ એપ્લિકેશન, ડિજિટલ પેમેન્ટ અને એઆઈ ક્ષેત્રે ભારત વૈશ્વિક આગળવટ ધરાવે છે, જે આ અભિગમનું પરિણામ છે.
જી–20 શિખર મંત્રણા સાથે આયોજિત ભારત–બ્રાઝિલ–દક્ષિણ આફ્રિકા (IBSA) લીડર્સ સમિટમાં પણ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે વિશ્વ હાલ વિખરાયેલું અને વિભાજિત છે, એવા સમયમાં IBSAનું સંયુક્ત મંચ એકતા, માનવતા અને સહકારનો મજબૂત સંદેશ આપી શકે છે.
મોદીએ ત્રણેય દેશો વચ્ચે સુરક્ષા સહયોગ મજબૂત કરવાની જરૂરિયાત જણાવી અને NSA સ્તરની બેઠકને સંસ્થાગત બનાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો. આતંકવાદ પર તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ મુદ્દે કોઈપણ પ્રકારના બેવડા માપદંડોને સ્થાન નથી.
તેમણે ટેક્નોલોજીની માનવ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકતાં UPI, CoWIN, સાયબર સુરક્ષા મોડેલ અને મહિલા–નેતૃત્વવાળા ટેક ઈનોવેશનને વૈશ્વિક સ્તરે શેર કરવા માટે IBSA ડિજિટલ ઈનોવેશન એલાયન્સ સ્થાપવાની સલાહ આપી હતી.