/connect-gujarat/media/media_files/2025/11/22/dhaka-2025-11-22-15-52-57.jpg)
બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને આસપાસના વિસ્તારોમાં શુક્રવારે સવારે 5.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા સમગ્ર વિસ્તાર થરથરી ઉઠ્યો હતો.
સત્તાવાર આંકડા અનુસાર અત્યાર સુધી મૃત્યુઆંક 10 સુધી પહોંચી ગયો છે, જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઢાકાથી માત્ર 13 કિલોમીટર દૂર નરસિંગડીમાં હતું, જ્યાં સૌથી વધુ તબાહી જોવા મળી છે. આ આંચકા ભારતના પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા અને મેઘાલય જેવા પૂર્વોત્તર રાજ્યો સુધી અનુભવાયા હતા.
શુક્રવારની સવારે સ્થાનિક સમય મુજબ 10:38 વાગ્યે આવેલા આ ભારે ધ્રુજારી બાદ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઇમારતો થરથર કંપતા લોકો ઘરો, ઓફિસો અને ફેક્ટરીઓમાંથી દોડી બહાર આવી ગયા હતા. ઢાકામાં 4, નરસિંગડીમાં 5 અને નારાયણગંજમાં 1 વ્યકિતના મૃત્યુ નોંધાયા છે. ઢાકાના બોંગશાલ વિસ્તારમાં પાંચ માળાની ઇમારતની રેલિંગ તૂટીને નીચે ચાલી રહેલા ત્રણ લોકો પર પડતા ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.
ગાઝીપુરના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા મજૂરો ભૂકંપ સમયે ઇમારતોમાંથી બહાર નીકળવા ભાગદોડ મચતા મોટી સંખ્યામાં ઘાયલ થયા હતા. ઘણા લોકો સીડીઓમાં ફસાઈ ગયા હતા અને સ્થિતિ એક સમયે અત્યંત ભયજનક બની ગઈ હતી. ઢાકાના એક રહેવાસીએ જણાવ્યું હતું કે, “ઇમારતો વૃક્ષોની જેમ હલી રહી હતી. લોકો સીડીઓમાં એકબીજા પર પડી રહ્યા હતા. બાળકો રડી રહ્યાં હતા અને આખું શહેર ડરી ગયું હતું.”
આંચકા ભારત સુધી પણ પહોંચ્યા હતા, જેમાં કોલકાતા, ગુવાહાટી, અગરતલા અને શિલોંગ જેવા શહેરોમાં લોકો સાવચેતીના ભાગરૂપે ઇમારતોમાંથી બહાર આવી ગયા હતા. સદભાગ્યે ભારતમાં કોઈ મોટા નુકસાન કે જાનહાનિ થઈ નથી.
ભૂકંપના કારણે ઢાકામાં ચાલી રહેલી બાંગ્લાદેશ–આયર્લેન્ડ ટેસ્ટ મેચને થોડીવાર માટે રોકવી પડી હતી, પરંતુ સ્ટેડિયમમાં કોઈ ભૌતિક નુકસાન નોંધાયું નથી. બાંગ્લાદેશના વચગાળાના પ્રશાસનના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે નાગરિકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને જણાવ્યું છે કે સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે.