Connect Gujarat
દુનિયા

પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ બ્રિટનથી પરત આવશે પાકિસ્તાન

પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ બ્રિટનથી પરત આવશે પાકિસ્તાન
X

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ બ્રિટનથી પરત ફરી રહ્યા છે. તે 4 વર્ષ બાદ શનિવારે પાકિસ્તાન પહોંચી રહ્યા છે. નવાઝ શરીફ પહેલા ઈસ્લામાબાદ આવશે. લગભગ બે કલાક આરામ કરશે. ત્યાર બાદ લાહોર પહોંચશે. બે દિવસ પહેલા જ ઈસ્લામાબાદ હાઈકોર્ટે નવાઝ શરીફના પાકિસ્તાન પરત ફરવાનો રસ્તો સાફ કરી દીધો હતો. કોર્ટે પૂર્વ વડાપ્રધાનને ભ્રષ્ટાચારના બે કેસમાં જામીન આપ્યા હતા. અન્ય કોર્ટે એક અલગ કેસમાં તેની સામે ધરપકડ વોરંટને સસ્પેન્ડ કરી દીધું હતું

નોંધનીય છે કે નવાઝ શરીફ વર્ષ 2019માં જામીન પર છૂટ્યા બાદ પાકિસ્તાન છોડીને બ્રિટનમાં રહેવા લાગ્યા હતા. હવે લગભગ ચાર વર્ષ પછી ઘરે પરત ફરી રહ્યા છે. અહીં લાહોરના મિનાર-એ-પાકિસ્તાનમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને નવાઝ શરીફ પણ સંબોધિત કરશે. પાર્ટીએ વિશાળ સભા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. નવાઝ શરીફ સૌથી પહેલા ઈસ્લામાબાદ પહોંચશે. તેઓ ત્યાં ઈસ્લામાબાદ એરપોર્ટ નજીક મુસ્લિમ લીગ ગેસ્ટ હાઉસમાં 2 કલાક રોકાશે. જે બાદ તે લાહોર આવશે.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ની કાનૂની ટીમને આશા છે કે પૂર્વ પીએમને પાકિસ્તાન પહોંચ્યા બાદ તરત જ જેલમાં જવું પડશે નહીં. કારણ કે ઈસ્લામાબાદ હાઈકોર્ટે ગુરુવારે શરીફને કામચલાઉ રાહત આપી હતી. નવાઝને એવેનફિલ્ડ અને અલ-અઝીઝિયા ભ્રષ્ટાચારના કેસમાં 24 ઓક્ટોબર સુધી જામીન આપવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે તોશાખાના વાહન કેસમાં તેમનું ધરપકડ વોરંટ પણ સસ્પેન્ડ કરી દીધું છે.

આ સાથે જ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની વાપસીનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. વિરોધ પક્ષોએ તેમની ટીકા કરી હતી. વાસ્તવમાં તેમના સમર્થકો નવાઝ શરીફના પાકિસ્તાન પરત ફરવા અંગે જોર જોરથી ચર્ચા કરી રહ્યા છે અને તેમના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. બે મુખ્ય વિપક્ષી દળોએ નવાઝના આવવા પર કરવામાં આવેલી કથિત વિશેષ વ્યવસ્થા પર પ્રહારો કર્યા છે.

Next Story