/connect-gujarat/media/media_files/2025/12/08/record-2025-12-08-14-12-04.jpg)
બ્રાઝિલમાં જન્મેલી 29 વર્ષીય લુઆના લોપેઝ લારાએ વિશ્વની સૌથી નાની ઉંમરની સેલ્ફમેડ અબજોપતિ બનીને ઇતિહાસ રચ્યો છે.
અમેરિકાની પ્રિડિક્શન માર્કેટ સ્ટાર્ટઅપ ‘કલ્શી’ને ક્રિપ્ટો ફર્મ પેરાડિગમના નેતૃત્વમાં એક અબજ ડોલરનું રોકાણ મળ્યા બાદ કંપનીનું વેલ્યુએશન 11 અબજ ડોલર પાર થયું છે. આ સફળતા બાદ લારાએ સ્કેલ એઆઈની લુસી ગો અને પોપ-આઇકોન ટેલર સ્વિફ્ટને પાછળ છોડીને દુનિયાની સૌથી યુવા અબજોપતિનો તાજ મેળવી લીધો છે. માત્ર છ વર્ષમાં સ્ટાર્ટઅપને બિલિયન ડોલર ક્લબમાં પહોંચાડનાર લારા નવી પેઢી માટે પ્રેરણાસ્રોત બની છે.
લારાની સફર આકર્ષક અને સંઘર્ષોથી ભરેલી રહી છે. વોલ સ્ટ્રીટ સુધી પહોંચતા પહેલા તે રિયો ડી જેનેરિયામાં બેલેરિના ડાન્સર તરીકે રોજ 13 કલાક પ્રેક્ટિસ કરતી હતી. 2013માં ગ્રેજ્યુએશન કર્યા બાદ તે ઓસ્ટ્રિયામાં નવ મહિના સુધી પ્રોફેશનલ ડાન્સર રહી. ડાન્સ માટેની તેની નિષ્ઠા છતાં તેણે પોતાનું કરિયર બદલવાનું નક્કી કર્યું અને વિશ્વની પ્રતિષ્ઠિત એમઆઈટીમાં પ્રવેશ લીધો. ત્યાંથી શરૂ થયેલી તેની ઉદ્યોગયાત્રાએ માત્ર થોડા જ વર્ષોમાં અમેરિકન ડ્રીમને સાચા અર્થમાં સાકાર કરી બતાવ્યો.
માર્ક ઝુકરબર્ગ અને લેરી પેજ જેવી જ, લારાએ પણ પોતાના કો-ફાઉન્ડર તારેક મન્સૂરને કોલેજમાં જ મળ્યા હતા. બંનેએ 2018માં ન્યૂયોર્કની ફાઇવ રિંગ્સ કેપિટલમાં સાથે ઇન્ટર્નશિપ કરી હતી. એક દિવસ ઘરે જતાં જતાં તેમને પ્રિડિક્શન માર્કેટ બિઝનેસ બનાવવા નો વિચાર આવ્યો અને ત્યાંથી ‘કલ્શી’ની શરૂઆત થઈ. ઇલેક્શન, ખેલકૂદ, પોપ કલ્ચર સહિત અનેક ઘટનાના પરિણામો પર દાવ લગાવવાની મંજૂરી આપતું આ પ્લેટફોર્મ બાદમાં ફેડરલી રેગ્યુલેટેડ પ્રિડિક્શન માર્કેટ બની ગયું. વાય કોમ્બિનેશનના એક્સિલરેટરમાં સફળ પીચ બાદ કંપનીને CFCTની મંજૂરી પણ મળી.
આજે લુઆના લોપેઝ લારા માત્ર આધુનિક સ્ટાર્ટઅપ જગતમાં એક શક્તિશાળી નામ જ નથી, પરંતુ એ સાબિત કરે છે કે જુસ્સો, દૃઢનિર્ધાર અને યોગ્ય તક મળે તો બેલેરિના ડાન્સરથી લઈને બિલ્યોનેર બનવાની સફર પણ શક્ય છે.