જર્મનીની મિશેલા બેન્થોસે રચ્યો ઇતિહાસ, અવકાશમાં જનારી પ્રથમ દિવ્યાંગ મહિલા

પક્ષાઘાતના કારણે ચાલવામાં અસમર્થ હોવા છતાં, તેઓ જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના સ્પેસશિપમાં અવકાશમાં જનારી પ્રથમ દિવ્યાંગ વ્યક્તિ બની છે.

New Update
14245

જર્મનીની એન્જિનિયર મિશેલા બેન્થોસે અવકાશયાત્રાના ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેર્યો છે.

પક્ષાઘાતના કારણે ચાલવામાં અસમર્થ હોવા છતાં, તેઓ જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના સ્પેસશિપમાં અવકાશમાં જનારી પ્રથમ દિવ્યાંગ વ્યક્તિ બની છે. વેસ્ટ ટેક્સાસથી લોન્ચ થયેલી ન્યુ શેપર્ડ સ્પેસ ફ્લાઇટમાં કુલ પાંચ અવકાશયાત્રીઓ સામેલ હતા, જેમાં મિશેલા બેન્થોસનું નામ ખાસ ધ્યાન ખેંચતું રહ્યું. દસ મિનિટની સ્પેસ સ્કિમિંગ ફ્લાઇટ દરમિયાન બેન્થોસને કેટલીક ટેક્નિકલ અને શારીરિક એડજસ્ટમેન્ટ કરવાની જરૂર પડી હતી, પરંતુ કંપનીના જણાવ્યા અનુસાર ઓટોનોમસ કેપ્સ્યુલ અને આધુનિક ડિઝાઇનના કારણે આ યાત્રા સફળ રહી.

આ ઐતિહાસિક યાત્રામાં બેન્થોસની સાથે સ્પેસએક્સના નિવૃત્ત એક્ઝિક્યુટિવ અને જર્મનીના જ હાન્સ કોનિંગ્સમેન પણ હતા, જેમણે બ્લુ ઓરિજિન સાથે મળીને આ યાત્રાને સ્પોન્સર કરી હતી. યાત્રાની ટિકિટ કિંમત જાહેર કરવામાં આવી નથી, પરંતુ બ્લુ ઓરિજિનના એન્જિનિયર જેક મિલ્સે જણાવ્યું હતું કે ન્યુ શેપર્ડ કેપ્સ્યુલ્સ સંપૂર્ણપણે ઓટોનોમસ હોવાથી અને અગાઉની તુલનામાં વધારે જગ્યા ધરાવતી હોવાથી દિવ્યાંગ યાત્રીઓ માટે અવકાશમાં જવું શક્ય બન્યું છે. બેન્થોસે લોન્ચિંગ દિવસે મદદ કરનારી ક્રૂ ટીમને પણ અગાઉથી તાલીમ આપી હતી, જેથી કોઈ પણ અડચણ વિના યાત્રા પૂર્ણ થઈ શકે.

મિશેલા બેન્થોસને સાત વર્ષ પહેલાં પર્વતીય વિસ્તારમાં બાઇકિંગ દરમિયાન ગંભીર અકસ્માત થયો હતો, જેમાં તેમની કરોડરજ્જુને ઇજા પહોંચતા તેઓ ચાલવામાં અસમર્થ બની ગઈ હતી. તેમની પાસે પ્રોસ્ટેટિક પગ પણ નથી, છતાં આ સ્પેસફ્લાઇટ દરમિયાન હાન્સ કોનિંગ્સમેન સતત તેમની મદદમાં રહ્યા. તેમની યાત્રાએ સાબિત કરી દીધું છે કે યોગ્ય ટેક્નોલોજી અને દૃઢ ઈચ્છાશક્તિ સાથે દિવ્યાંગ લોકો પણ અવકાશમાં જઈ શકે છે. આ સફળતાને વિશ્વભરમાં પ્રેરણારૂપ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.

33 વર્ષીય બેન્થોસ અગાઉ હોલેન્ડમાં યુરોપિયન સ્પેસ એજન્સીના ગ્રેજ્યુએટ ટ્રેની પ્રોગ્રામનો ભાગ રહી ચૂકી છે. વર્ષ 2022માં તેમણે હ્યુસ્ટનમાં પેરાબોલિક એરપ્લેન ફ્લાઇટ દરમિયાન વજનવિહીન સ્થિતિનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ, પોલેન્ડમાં યોજાયેલા બે સપ્તાહના સિમ્યુલેટેડ સ્પેસ મિશનમાં પણ તેમણે ભાગ લીધો હતો. સ્પેસફ્લાઇટ માટે તેમણે કોનિંગ્સમેન સાથે વિશેષ પ્રેક્ટિસ કરી હતી અને કેપ્સ્યુલ રોકેટની ટોચ પર હોવાથી સાત માળની લિફ્ટ પણ ખાસ રીતે ગોઠવવામાં આવી હતી.

પોતાનો અનુભવ વર્ણવતાં બેન્થોસે જણાવ્યું કે, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું અવકાશમાં જઈ શકીશ. સુપર હેલ્થી વ્યક્તિ માટે પણ સ્પેસફ્લાઇટ અત્યંત કપરી હોય છે, તો મારી જેવી દિવ્યાંગ માટે તો એ કલ્પનાથી પર હતું.” તેમણે વધુમાં કહ્યું કે મોટરબાઈક અકસ્માત બાદ તો તેમને જરા પણ આશા નહોતી. પરંતુ ગયા વર્ષે હાન્સ કોનિંગ્સમેન દ્વારા બ્લુ ઓરિજિનની સ્પેસ ફ્લાઇટ માટે સંપર્ક કરવામાં આવતા અને ત્રણ મિનિટથી વધુ સમય માટે વજનવિહીન સ્થિતિનો અનુભવ મળશે એવું જાણવા મળતાં તેમણે તરત જ હા પાડી દીધી. આ યાત્રા સાથે બ્લુ ઓરિજિન દ્વારા અત્યાર સુધી અવકાશમાં મોકલાયેલા પેસેન્જરોની કુલ સંખ્યા 86ને વટાવી ગઈ છે, જે ખાનગી અવકાશયાત્રાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન ગણાય છે.

Latest Stories