/connect-gujarat/media/media_files/2025/12/20/ame-2025-12-20-16-21-39.jpg)
અમેરિકા, બ્રિટન અને કેનેડામાં હોલિડે સીઝન શરૂ થાય તે પહેલાં જ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને આરોગ્ય તંત્રમાં ચિંતા વધી છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર H3N1 નામનો ઈન્ફ્લુએન્ઝાનો એક નવો અને ઝડપથી ફેલાતો વેરિયન્ટ સક્રિય થયો છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં “સબક્લેડ K” તરીકે ઓળખવામાં આવે છે. ચિંતાજનક બાબત એ છે કે આ વેરિયન્ટ માનવ શરીરની ઈમ્યુનિટી સિસ્ટમને બાયપાસ કરવાની ક્ષમતા ધરાવે છે, એટલે કે અગાઉ લેવાયેલી ફ્લૂ વેક્સિન અથવા જૂની રોગપ્રતિકારક શક્તિ તેના સામે અસરકારક સાબિત થતી નથી.
પરિણામે, હોલિડે સીઝનમાં મુસાફરી, મેળાવડા અને ભીડ વધતા આ ફ્લૂ વધુ ઝડપથી ફેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં સ્થિતિ વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે, જ્યાં ગયા વર્ષની સરખામણીએ 460 ટકા વધુ એટલે કે આશરે 14,000 ફ્લૂના કેસ નોંધાયા છે, જે આરોગ્ય નિષ્ણાતો માટે ગંભીર ચેતવણી સમાન છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા મુજબ H3N1 સબક્લેડ K એક સીઝનલ રેસ્પિરેટરી ઈન્ફેક્શન છે, પરંતુ તેની ફેલાવાની ઝડપ અને અસર સામાન્ય મોસમી ફ્લૂ કરતા વધુ હોવાનું જોવા મળી રહ્યું છે. આ ફ્લૂના લક્ષણોમાં ભારે તાવ, અતિશય નબળાઈ, માથાનો દુખાવો, સ્નાયુઓ અને શરીરમાં દુખાવો, સૂકી ઉધરસ, ગળામાં દુખાવો, નાક વહેવું અથવા બંધ થવું, ભૂખ ન લાગવી, પેટમાં દુખાવો અને ઊંઘમાં તકલીફ જેવા લક્ષણો સામેલ છે.
ખાસ કરીને ભીડવાળા વિસ્તારો, શોપિંગ મોલ, એરપોર્ટ, જાહેર પરિવહન અને સામાજિક મેળાવડાઓમાં આ વાયરસ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું નિરીક્ષણમાં આવ્યું છે. મેડિકલ એક્સપર્ટ્સનું કહેવું છે કે ઈન્ફ્લુએન્ઝા વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલતો રહે છે, જેના કારણે તે માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિને વારંવાર છલ કરી જાય છે, અને શિયાળાની ઋતુમાં જ્યારે ઈમ્યુનિટી સ્વાભાવિક રીતે નબળી પડે છે ત્યારે તેનો ફેલાવો વધુ ઝડપી બની જાય છે.
આરોગ્ય નિષ્ણાતોએ ખાસ ચેતવણી આપી છે કે પાંચ વર્ષથી નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ તેમજ અસ્થમા, ડાયાબિટીસ, હૃદયરોગ અથવા ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ધરાવતા લોકો માટે આ ફ્લૂ વધુ જોખમકારક સાબિત થઈ શકે છે. જાણકારોના મતે, આ વર્ષે ફ્લૂ સીઝન સામાન્ય કરતા વધુ ગંભીર બની શકે છે.
યેલ સ્કૂલ ઓફ મેડિસિનના ચેપી રોગોના નિષ્ણાત પ્રોફેસરે જણાવ્યું છે કે સબક્લેડ K સ્ટ્રેન અગાઉના ઈન્ફ્લુએન્ઝા પ્રકારોની સરખામણીએ વધુ ઝડપથી ફેલાય છે અને વધુ લોકોને સંક્રમિત કરી શકે છે. ગયા વર્ષે પણ ફ્લૂ સીઝનમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા, પરંતુ આ વર્ષે નવા વેરિયન્ટના કારણે સંક્રમણનો ગ્રાફ વધુ ઊંચો જઈ શકે છે.
આવી સ્થિતિમાં ડોક્ટરો લોકોকে ભીડથી બચવા, સ્વચ્છતા જાળવવા, માસ્કનો ઉપયોગ કરવા અને લક્ષણો દેખાતા જ તાત્કાલિક તબીબી સલાહ લેવાની અપીલ કરી રહ્યા છે, જેથી હોલિડે સીઝન દરમિયાન આ ફ્લૂને ગંભીર આરોગ્ય સંકટ બનતા અટકાવી શકાય.