ઈન્ડોનેશિયામાં ભયાનક બસ અકસ્માત: જાવા ટાપુ પર 16નાં મોત, અનેક ઘાયલ

અકસ્માતમાં ઘાયલ થયેલા 18 મુસાફરોને નજીકની બે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.

New Update
accident

ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં એક ભયાનક કરુણાંતિકા સર્જાઈ છે.

સેન્ટ્રલ જાવાના સેમારંગ શહેર નજીક ક્રાપ્યાક ટોલ-વે પર ઈન્ટર-પ્રોવિન્સ બસનો ભયાનક અકસ્માત થયો, જેમાં 16 મુસાફરોના દર્દનાક મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વળાંક વાળા માર્ગ પર ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા બસ પહેલા કોંક્રિટના ડિવાઈડર સાથે અથડાઈ અને ત્યારબાદ પલટી ગઈ. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે બસમાં સવાર ઘણા મુસાફરો ઉછળીને નીચે પટકાયા અને કેટલાક બસની અંદર જ ફસાઈ ગયા.

નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના પ્રમુખ બુડિયોનોએ માહિતી આપતાં જણાવ્યું કે, આ બસમાં કુલ 34 લોકો સવાર હતા. રાજધાની જકાર્તાથી દેશના ઐતિહાસિક શહેર યોગ્યાકાર્તા જઈ રહેલી આ બસ સેમારંગના ક્રાપ્યાક ટોલ રોડ પર પહોંચતાં જ અકસ્માતનો શિકાર બની. ઘટના બાદ લગભગ 40 મિનિટમાં પોલીસ અને રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ઘટનાસ્થળેથી 6 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 10 મુસાફરો હોસ્પિટલ લઈ જતી વખતે અથવા સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા.

અકસ્માતમાં ઘાયલ થયેલા 18 મુસાફરોને નજીકની બે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. રેસ્ક્યુ અધિકારીઓ મુજબ, બસ એક બાજુ પલટી ગઈ હોવાથી અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી. નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના કર્મચારીઓ સાથે સ્થાનિક લોકો અને રાહદારીઓ પણ બચાવ કાર્યમાં મદદ માટે આગળ આવ્યા હતા. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ સતત પીડિતો અને મૃતકોને હોસ્પિટલ તરફ લઈ જઈ રહી હતી.

આ અકસ્માતે ફરી એકવાર ઈન્ડોનેશિયામાં માર્ગ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરની બેદરકારી અથવા માર્ગની પરિસ્થિતિને અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે અધિકારીઓએ જણાવ્યું છે કે સંપૂર્ણ તપાસ બાદ જ સાચું કારણ સામે આવશે. સરકાર અને સંબંધિત વિભાગો દ્વારા ટોલ રોડ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Latest Stories