/connect-gujarat/media/media_files/2025/11/08/indo-2025-11-08-15-02-49.jpg)
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં શુક્રવારની નમાજ દરમિયાન એક ભયાનક ઘટના બની હતી, જ્યાં મસ્જિદની અંદર અચાનક વિસ્ફોટ થયો અને ત્યાં હાજર લોકોમાં ભય અને હાહાકાર મચી ગયો.
ઉત્તર જકાર્તાના કેલાપા ગાડિંગ વિસ્તારમાં આવેલી એક સ્કૂલની મસ્જિદમાં થયેલા આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 54થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે. આ બધા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે હાજર લોકોએ કહ્યું કે ધડાકાનો અવાજ એટલો મોટો હતો કે આસપાસના વિસ્તારોમાં પણ દહેશત ફેલાઈ ગઈ હતી.
પ્રારંભિક તપાસમાં પોલીસે ઘટનાસ્થળેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે, જેમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)ના અવશેષો, રિમોટ કંટ્રોલ, એરસોફ્ટ અને રિવોલ્વર જેવી બંદૂકો મળી આવી છે. આથી પોલીસે આ ઘટનાને એક શક્ય આતંકવાદી કાવતરું ગણાવીને તપાસ શરૂ કરી છે. વિસ્ફોટ પછી તરત જ નેવીના જવાનો અને જકાર્તા પોલીસની ટુકડીએ વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા વધારી દીધી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે પણ સ્થળ પર પહોંચી સમગ્ર મસ્જિદ અને તેની આસપાસના વિસ્તારોની સુચિત તપાસ હાથ ધરી છે.
પોલીસ કમિશનર એસેપ એડી સુહેરીએ જણાવ્યું કે હાલ સુધી વિસ્ફોટના ચોક્કસ કારણો સ્પષ્ટ થયા નથી, પરંતુ શરૂઆતની માહિતી મુજબ, બોમ્બ મસ્જિદના મુખ્ય હોલની પાછળની બાજુએ ફાટ્યો હતો. નમાઝ દરમિયાન હાજર લોકો જીવ બચાવવા માટે દોડ્યા હતા, જેના કારણે ભારે ભાગદોડ મચી હતી. અનેક લોકો કાચના ટુકડાથી અને ધડાકાની અસરથી ઘાયલ થયા છે.
આ ઘટના પછી જકાર્તામાં સુરક્ષા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને શહેરના મુખ્ય ધાર્મિક સ્થળો પર કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ઇન્ડોનેશિયા અગાઉ પણ આતંકવાદી હુમલાઓના નિશાન પર રહ્યું છે, પરંતુ મસ્જિદમાં નમાઝ દરમિયાન થયેલો આ વિસ્ફોટ આખા દેશને હચમચાવી ગયો છે. હાલ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો મળીને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે કે આ હુમલાના પાછળ કોઈ સંગઠિત ગૃપની સંડોવણી છે કે નહીં.