/connect-gujarat/media/media_files/2025/12/27/america-2025-12-27-14-17-07.jpg)
અમેરિકામાં ભારે બરફવર્ષા અને તોફાની હવામાનની દસ્તકને કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે.
દેશના અનેક ભાગોમાં કડક ઠંડી, હિમવર્ષા અને તેજ પવનના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ગ્રેટ લેક્સ વિસ્તારથી લઈને નોર્ટઈસ્ટ સુધી પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. નેશનલ વેધર સર્વિસે અનેક રાજ્યોમાં વિન્ટર સ્ટોર્મ એલર્ટ જાહેર કરી દીધું છે, જેના પગલે એરલાઈન્સે આગોતરા સાવચેતી રૂપે મોટી સંખ્યામાં ફ્લાઈટ રદ કરી છે. ભારે બરફવર્ષાના કારણે રસ્તા, રેલવે અને હવાઈ પરિવહન ત્રણેય પર અસર પડી રહી છે.
અમેરિકામાં હાલ પિક ટ્રાવેલ સિઝન ચાલી રહી છે, કારણ કે કડક ઠંડીના સમયમાં અનેક વિસ્તારોમાં રજાઓ આપવામાં આવે છે અને લોકો પ્રવાસ માટે નીકળે છે. પરંતુ આ તોફાની હવામાનના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા છે. ઘણી એરલાઈન્સે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને ફ્લાઈટ રદ કરી છે અથવા મોડી કરી છે. પરિણામે એરપોર્ટ્સ પર ભીડ, લાંબી રાહ અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે, જ્યારે મુસાફરોને પોતાના પ્રવાસની નવી યોજના બનાવવી પડી રહી છે.
ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ FlightAwareના ડેટા અનુસાર, સ્થાનિક સમય મુજબ સાંજે ચાર વાગ્યા સુધીમાં સમગ્ર અમેરિકામાં 1802 ફ્લાઈટ રદ થઈ ચૂકી છે, જ્યારે 22,349થી વધુ ફ્લાઈટ વિલંબિત ચાલી રહી છે. નેશનલ વેધર સર્વિસે ‘વિન્ટર સ્ટોર્મ ડેવિન’ને લઈને ચેતવણી જાહેર કરી છે. આ તોફાનના કારણે શનિવાર સવાર સુધીમાં ગ્રેટ લેક્સ, ઉત્તર મિડ-એટલાન્ટિક અને દક્ષિણ ન્યૂ ઇંગ્લેન્ડના વિસ્તારોમાં યાત્રા અત્યંત જોખમી બની શકે છે. હવામાન વિભાગે 4થી 8 ઇંચ સુધી બરફવર્ષાનું અનુમાન જાહેર કર્યું છે, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
આ ખરાબ હવામાનની પરિસ્થિતિ એવા સમયે સામે આવી છે, જ્યારે લા નીના ફરી સક્રિય થતી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. લા નીના પ્રશાંત મહાસાગરના ઠંડા પાણી સાથે જોડાયેલું એક હવામાન પેટર્ન છે, જે વિશ્વભરમાં હવામાનની અતિશય ઘટનાઓને વધારી શકે છે. તેની અસરરૂપે ક્યાંક અતિશય ઠંડી, તો ક્યાંક ભારે વરસાદ અને તોફાનો સર્જાય છે. નિષ્ણાતોનું માનવું છે કે લા નીનાની વાપસી વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ અસર કરી શકે છે અને કુદરતી આફતોની આવર્તન વધારી શકે છે. હાલ અમેરિકામાં સર્જાયેલી આ પરિસ્થિતિએ ફરી એકવાર હવામાન પરિવર્તન અને તેની ગંભીર અસર તરફ ધ્યાન ખેંચ્યું છે.