/connect-gujarat/media/media_files/2025/12/20/imran-2025-12-20-14-26-48.jpg)
પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં મોટો ભૂકંપ સર્જે એવો ચુકાદો સામે આવ્યો છે, જેમાં ભ્રષ્ટાચારના તોશાખાના-2 કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 17-17 વર્ષની કઠોર જેલસજા ફટકારવામાં આવી છે.
ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ની વિશેષ કોર્ટે બંનેને દોષિત ઠેરવતા જણાવ્યું હતું કે તેમણે જાહેર પદ પર રહીને સરકારી વિશ્વાસ સાથે ગંભીર દગો કર્યો છે.
આ ચુકાદાને ઈમરાન ખાન માટે એક મોટો કાનૂની અને રાજકીય ઝટકો તરીકે જોવામાં આવી રહ્યો છે, કારણ કે તેઓ પહેલેથી જ અનેક કેસોમાં ફસાયેલા છે અને ઓગસ્ટ 2023થી જેલમાં કેદ છે. અદિયાલા જેલમાં રચાયેલી વિશેષ કોર્ટના સ્પેશિયલ જજ શાહરુખ અરજુમંદે આ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો હતો, જેના પછી પાકિસ્તાનની રાજનીતિમાં ફરી એક વખત ગરમાવો આવી ગયો છે.
સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ આ સમગ્ર મામલો વર્ષ 2021નો છે, જ્યારે સાઉદી અરબના એક રાજકુમારે ઈમરાન ખાનને એક અતિ કિંમતી બુલ્ગારી જ્વેલરી સેટ ભેટમાં આપ્યો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ જ્વેલરીની વાસ્તવિક બજાર કિંમત 7 કરોડ 15 લાખ પાકિસ્તાની રૂપિયાથી વધુ હતી, પરંતુ તેને ફક્ત 58 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હોવાનું દર્શાવી નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું.
કોર્ટનું માનવું છે કે તોશાખાના સંબંધિત નિયમો અનુસાર આ પ્રકારની ભેટોને પારદર્શી રીતે જાહેર કરવી અને યોગ્ય કિંમત ચૂકવી ખરીદવી ફરજિયાત હતી, પરંતુ આ પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ કરવામાં આવી. તેથી કોર્ટએ આ મામલાને માત્ર નિયમભંગ નહીં પરંતુ ગુનાહિત વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારનો સ્પષ્ટ દાખલો ગણાવ્યો.
કોર્ટના વિગતવાર ચુકાદા અનુસાર ઈમરાન ખાનને ગુનાહિત વિશ્વાસઘાત હેઠળ 10 વર્ષની જેલસજા અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ 7 વર્ષની વધારાની સજા ફટકારવામાં આવી છે, જ્યારે બુશરા બીબીને સમાન ધારાઓ હેઠળ કુલ 17 વર્ષની સજા આપવામાં આવી છે. આ ઉપરાંત બંને પર 1 કરોડ 64 લાખ પાકિસ્તાની રૂપિયાનો ભારે દંડ પણ વામાં આવ્યો છે, અને જો આ દંડની ચુકવણી નહીં થાય તો તેમને વધારાની જેલસજા પણ ભોગવવી પડશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલો પ્રસંગ નથી જ્યારે ઈમરાન ખાન અને બુશરા બીબી દોષિત ઠેરવાયા હોય; અગાઉ જાન્યુઆરી 2025માં અલ કાદિર ટ્રસ્ટ કેસમાં પણ ઈમરાન ખાનને 14 વર્ષની અને બુશરા બીબીને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. સતત આવી સજાઓને કારણે ઈમરાન ખાનનું રાજકીય ભવિષ્ય વધુ અનિશ્ચિત બનતું જઈ રહ્યું છે, અને આ ચુકાદાને પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી તરીકે એક મોટા વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે.