/connect-gujarat/media/media_files/2025/11/05/ind-isr-2025-11-05-15-31-39.jpg)
ભારત અને ઈઝરાયલ વચ્ચેનો સંરક્ષણ સહયોગ હવે વધુ મજબૂત અને વ્યૂહાત્મક દિશામાં આગળ વધી રહ્યો છે.
તાજેતરમાં તેલ અવીવમાં યોજાયેલી 17મી સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) બેઠક દરમિયાન બંને દેશોએ સંરક્ષણ સહકાર અંગે એક નવા સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. આ કરાર બંને દેશોને અદ્યતન ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિ, સાયબર સુરક્ષા, સંશોધન અને વિકાસ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે નવી દિશા આપશે. ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલયના મહાનિર્દેશક મેજર જનરલ (રિઝર્વ) અમીર બારામની સહ-અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
આ કરાર હેઠળ બંને દેશો અદ્યતન ડિફેન્સ સિસ્ટમના સંયુક્ત વિકાસ અને ઉત્પાદન પર કામ કરશે, જે બંને દેશોની સૈન્ય શક્તિમાં ગુણાત્મક સુધારો લાવશે. બેઠક દરમિયાન આતંકવાદ અને સાયબર હુમલાઓ જેવા સહિયારા પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત પ્રયાસો પર ભાર મૂકાયો હતો. ભારત અને ઈઝરાયલ વચ્ચેનો આ સંબંધ વિશ્વાસ, ટેકનોલોજીકલ પ્રગતિ અને સહિયારા સુરક્ષા હિતો પર આધારિત છે, જે સમય સાથે વધુ ગાઢ બનતો જઈ રહ્યો છે.
તે જ સમયે, દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ઈઝરાયલના વિદેશ પ્રધાન ગિડીઓન સાર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આતંકવાદ સામે લડત, સુરક્ષા સહકાર અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી. ગિડીઓન સારએ જણાવ્યું કે ભારત અને ઈઝરાયલ વચ્ચેની લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારી હવે નવા મંચ પર પ્રવેશી રહી છે. આ બેઠક અને નવા કરારથી સ્પષ્ટ થાય છે કે બંને દેશો ભવિષ્યના રક્ષા અને સુરક્ષા ક્ષેત્રોમાં વધુ સમન્વિત અને અદ્યતન સહયોગ માટે તૈયાર છે.