/connect-gujarat/media/media_files/2025/12/08/iss-2025-12-08-13-58-44.jpg)
આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS)ની કામગીરી 2030–31 પછી સમાપ્ત થવાની છે, અને એ સમય બાદ ભારત તેમજ રશિયા પોતાના નવા અંતરિક્ષ સ્ટેશનોને એક જ ઓર્બિટમાં સ્થાપિત કરવાની તૈયારીમાં છે.
જળ, જમીન અને આકાશ પછી હવે અંતરિક્ષ ક્ષેત્ર બન્ને દેશોની મિત્રતા વધુ મજબૂત બનતી દેખાઈ રહી છે.
ભારત અને રશિયાના સ્ટેશન એક જ ઓર્બિટ ઝોનમાં ફરશે, જેના કારણે બંને દેશો વચ્ચે અંતરિક્ષ સહયોગ, સંશોધન અને ટેક્નોલોજીકલ ભાગીદારી નવા સ્તરે પહોંચશે.
રશિયાની અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસના પ્રમુખ દમિત્રી બકાનોવે દિલ્હીમાં જાહેરાત કરી હતી કે દોઢ દાયકામાં બંને દેશોના સ્પેસ સ્ટેશન 51.6 ડિગ્રી ઝૂકાવ ધરાવતી ઓર્બિટમાં સંચાલિત થશે—આ એ જ કક્ષા છે જ્યાં હાલમાં ISS પરિભ્રમણ કરે છે. આ રીતે સ્ટેશનોને એક જ ઓર્બિટમાં રાખવાથી વૈજ્ઞાનિક પ્રયોગોનું સંયુક્ત આયોજન શક્ય બનશે, સાથે જ સ્પેસ યાત્રીઓ માટે સ્ટેશનો વચ્ચે અવરજવર કરવી પણ સરળ બનશે. ઇમરજન્સી જેવી પરિસ્થિતિઓમાં પણ બન્ને દેશો એકબીજાને ઝડપી ટેક્નિકલ અને માનવીય સહાય પૂરી પાડી શકશે.
રશિયાનો નવો સ્પેસ સ્ટેશન ‘એનર્જિયા’ સેન્ટર દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યો છે અને 2028 સુધીમાં તેને લોન્ચ કરવાની યોજના છે. બીજી તરફ, ઇસરોનું ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS) વર્ષ 2035 સુધી પૂર્ણ થઈ શકે છે. આ બંને સ્ટેશનો એક જ ઓર્બિટમાં સંચાલિત થશે તો તે અંતરિક્ષ સહયોગના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન બની રહેશે અને સંયુક્ત સંશોધન, ટેક્નોલોજીકલ વિકાસ અને સ્પેસ સિક્યુરિટી ક્ષેત્રે નવી સંભાવનાઓ ખૂલી શકશે.