/connect-gujarat/media/media_files/2025/12/25/thai-com-2025-12-25-13-51-24.jpg)
એશિયામાં ચાલી રહેલા એક ગંભીર સૈન્ય સંઘર્ષ વચ્ચે ધાર્મિક વારસાને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી છે, જેને લઈને ભારતે તીખી પ્રતિક્રિયા આપી છે.
દક્ષિણ પૂર્વ એશિયાના બે દેશો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. 8 ડિસેમ્બરથી શરૂ થયેલા આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં અંદાજે 40 લોકોના મોત થયા છે અને 8 લાખથી વધુ લોકોને પોતાના ઘરો છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. આ તણાવ વચ્ચે હવે કંબોડિયાએ થાઈલેન્ડ પર વિવાદિત સરહદી વિસ્તારમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ બુલડોઝર વડે તોડી પાડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
ભારતે આ ઘટનાને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડનારું કૃત્ય ગણાવી તેની આકરાશબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ નિવેદન આપતાં કહ્યું કે સીમા વિવાદ ધરાવતા વિસ્તારમાં હિન્દુ દેવતાની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના અહેવાલો અત્યંત ચિંતાજનક છે. આવા અપમાનજનક કૃત્યો વિશ્વભરના હિન્દુઓની ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચાડે છે અને તે ક્યારેય સ્વીકાર્ય નથી. પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે હિન્દુ અને બૌદ્ધ દેવતાઓને લોકો ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાથી પૂજે છે, તેથી ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરવું તમામ પક્ષોની જવાબદારી છે.
કંબોડિયાના દાવા મુજબ, થાઈ સેનાએ તેની સરહદ પાર કરીને લગભગ 100 મીટર અંદર પ્રવેશ કર્યો હતો અને એન સેસ વિસ્તારમાં આવેલી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિને તોડી પાડી હતી. આ કાર્યવાહીનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ભારે રોષ ફેલાયો છે. કંબોડિયાએ પ્રાચીન મંદિરો અને મૂર્તિઓના વિનાશને લઈને કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને તેને આંતરરાષ્ટ્રીય કાયદા તથા સાંસ્કૃતિક વારસાના નિયમોનો ભંગ ગણાવ્યો છે. જોકે, આ સમગ્ર મામલે થાઈ સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, જેના કારણે વિવાદ વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે.
બંને દેશો એકબીજા પર યુદ્ધ ભડકાવવાના અને વારસાને નુકસાન પહોંચાડવાના આરોપ લગાવી રહ્યા છે. કંબોડિયાનું કહેવું છે કે થાઈ સૈનિકોએ સરહદી વિસ્તારોમાં આવેલા મંદિરો અને ઐતિહાસિક ખંડેરોને નુકસાન પહોંચાડ્યું છે, જ્યારે થાઈલેન્ડનો દાવો છે કે કંબોડિયાએ વર્ષો જૂના પથ્થરના મંદિરોની આસપાસ સૈનિકો તૈનાત કરી સ્થિતિને ઉશ્કેરી છે. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો આ સરહદ વિવાદ વસાહતી સમયગાળામાં ખેંચાયેલી લગભગ 800 કિલોમીટર લાંબી સરહદ રેખા અને તેની આસપાસ આવેલા પ્રાચીન મંદિરોના અવશેષોને લઈને લાંબા સમયથી ચાલી રહ્યો છે.
આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે ભારતે બંને દેશોને સંયમ રાખવા અને વાતચીત દ્વારા વિવાદ ઉકેલવા અપીલ કરી છે. ભારતે અગાઉ પણ થાઈ–કંબોડિયા સરહદ નજીક આવેલા 12મી સદીના શિવ મંદિર પ્રેહ વિહાર સાથે સંકળાયેલા સંરક્ષણ માળખાને નુકસાન પહોંચાડવાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતનું કહેવું છે કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ અને પ્રાચીન ધાર્મિક સ્થળોનું રક્ષણ કરવું અત્યંત જરૂરી છે. ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સૈન્ય સંઘર્ષ વચ્ચે પણ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને બચાવવું તમામ રાષ્ટ્રોની નૈતિક અને આંતરરાષ્ટ્રીય જવાબદારી છે.