/connect-gujarat/media/media_files/2025/11/25/arunachal-2025-11-25-17-03-03.jpg)
અરુણાચલ પ્રદેશની એક ભારતીય નાગરિક પેમ વાંગ થૉંગડૉક સાથે ચીનમાં થયેલી હેરાનગતિએ રાજનૈતિક તણાવની પરિસ્થિતિ સર્જી છે.
લંડનથી જાપાન જઈ રહેલી થૉંગડૉકને શાંઘાઈના પુડૉંગ એરપોર્ટ પર માત્ર ત્રણ કલાકના ટ્રાન્ઝિટ દરમિયાન અચાનક રોકી રાખવામાં આવી અને લગભગ 18 કલાક સુધી ચીની ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા પૂછપરછ તેમજ દુર્વ્યવહાર કરવામાં આવ્યો.
અધિકારીઓએ તેના ભારતીય પાસપોર્ટને ‘અમાન્ય’ ઠેરવી દીધો, કારણ કે તેના જન્મસ્થળ તરીકે દર્શાવાયેલો અરુણાચલ પ્રદેશ ચીનના દાવા મુજબ “ચીની વિસ્તાર” ગણાય છે. આ પ્રક્રિયા દરમિયાન તેનું પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યું, તેની ભારતીય નાગરિકતા સ્વીકારવામાં આવી નહિ અને જાપાન માટે માન્ય વીઝા હોવા છતાં તેને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
થૉંગડૉકના જણાવ્યા મુજબ, ઘણાં ઇમિગ્રેશન અધિકારીઓએ તેની મજાક ઉડાવી અને તેને ચીની પાસપોર્ટ માટે અરજી કરવાની સલાહ આપીને તેનો અપમાન કર્યો. એરપોર્ટની સુવિધાઓ અને ભોજન સુધીનો વપરાશ પણ તેનો અટકાવ્યો હતો, જેના કારણે તેને માનસિક અને શારીરિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
અંતે, યુકેમાં રહેલા મિત્રની મદદથી તેણે શાંઘાઈ સ્થિત ભારતીય કૉન્સ્યુલેટનો સંપર્ક કર્યો. ભારતીય અધિકારીઓના હસ્તક્ષેપ બાદ જ તે કલાકો બાદ એરપોર્ટમાંથી બહાર આવી શકી અને આગળની યાત્રા કરી શકી. આ સમગ્ર ઘટનાને તેણે ભારતની સાર્વભૌમતા પર સીધી અસર ગણાવી અને પીએમ મોદી સહિત ઉચ્ચ અધિકારીઓને ચીન સામે સખત કાર્યવાહી કરવાની અપીલ કરી.
આ ઘટનાને ગંભીરતા પૂર્વક લેતાં ભારતે તરત જ બેઇજિંગ અને નવી દિલ્હીમાં ચીની અધિકારીઓ સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે અરુણાચલ પ્રદેશ ભારતનો જ અભિન્ન અંગ છે, અને આ હકીકત વિશે ચીને કોઈ ભ્રમ રાખવો નહીં. ભારતે ચીનને શિકાગો–મોન્ટ્રિયલ કન્વેન્શનની પણ યાદ અપાવી, જેમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોની સુવિધા અને તેમની સુરક્ષા માટે સ્પષ્ટ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
અરુણાચલ મુદ્દે ભારતનું વલણ હંમેશા અડગ રહ્યું છે. ચીન અનેક વખત અરુણાચલના સ્થળોના નામ બદલીને તેને પોતાના ક્ષેત્ર તરીકે દાવો કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભારતે આ દાવાઓને વારંવાર અસ્વીકાર્યા છે.
મે મહિનામાં પણ ભારતે ચીન દ્વારા અરુણાચલના 27 સ્થળોને ચીની નામ આપવાના પ્રયાસને ‘અર્થહીન’ અને ‘અપ્રભાવક’ ગણાવ્યો હતો. ભારતનું સ્પષ્ટ કહેવું છે કે અરુણાચલ પ્રદેશ હંમેશા ભારતનો રહ્યો છે, છે અને રહેશે, અને નામ બદલવાથી કે દાવા કરવાથી આ સત્ય કદી બદલાઈ શકતું નથી.