/connect-gujarat/media/media_files/2025/12/26/randhir-jaiswal-2025-12-26-17-23-09.jpg)
બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ અને લઘુમતી હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને ભારત સરકારે કડક અને સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુ સમુદાય સામે થઈ રહેલી હિંસા ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે તાજેતરમાં થયેલી દીપુ દાસની હત્યાની ખુલ્લેઆમ નિંદા કરતા જણાવ્યું કે ભારતને આશા છે કે આ ઘટનાના આરોપીઓને કાયદા અનુસાર કોર્ટના કઠેડામાં લાવવામાં આવશે. સાથે જ ભારતે બાંગ્લાદેશમાં વર્તમાન વચગાળાની યુનુસ સરકારની નીતિઓ અને તેની કામગીરી અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે.
વિદેશ મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, બાંગ્લાદેશમાં હાલની વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ હત્યા, આગચંપી, તોડફોડ, ધમકી અને જમીન પચાવી પાડવા જેવી કુલ 2,900 જેટલી ઘટનાઓ સામે આવી છે. ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ ઘટનાઓને માત્ર ‘રાજકીય હિંસા’ કહીને નજરઅંદાજ કરી શકાય નહીં, કારણ કે તેમાં ધાર્મિક અલ્પસંખ્યકોને નિશાન બનાવવાની સ્પષ્ટ છાપ જોવા મળે છે. આવા બનાવો બાંગ્લાદેશની આંતરિક સ્થિરતા સાથે સાથે પ્રાદેશિક શાંતિ માટે પણ જોખમરૂપ છે, એવી ચિંતા ભારતે વ્યક્ત કરી છે.
રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત બાંગ્લાદેશમાં મુક્ત, ન્યાયી અને સમાવેશી ચૂંટણીઓ યોજાય તેવું ઈચ્છે છે, જેથી ત્યાં લોકશાહી પ્રક્રિયા મજબૂત બને અને તમામ સમુદાયોને સુરક્ષા અને સમાન અધિકારો મળી શકે. ભારતે ભારપૂર્વક કહ્યું છે કે બાંગ્લાદેશના લઘુમતી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ત્યાંની સરકારની જવાબદારી છે અને આ બાબતમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ગંભીર પરિણામો લાવી શકે છે.
ભારત સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે બાંગ્લાદેશના નાગરિકો સાથે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને માનવિય સંબંધોને મહત્વ આપે છે અને બંને દેશો વચ્ચે સારા સંબંધો જાળવવા માટે પ્રતિબદ્ધ છે. જો કે, લઘુમતી હિન્દુઓ પર થતી હિંસા અને અસુરક્ષાની ઘટનાઓ આ સંબંધો પર છાયા પાડે છે. ભારતે આશા વ્યક્ત કરી છે કે બાંગ્લાદેશમાં વહેલી તકે શાંતિ, સ્થિરતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પુનઃસ્થાપિત થશે અને લઘુમતી સમુદાયોને ન્યાય મળશે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બાંગ્લાદેશમાં રાજકીય અનિશ્ચિતતા, પ્રદર્શન અને અથડામણોની ઘટનાઓ વધી રહી છે. ભારત તરફથી આપવામાં આવેલી આ કડક પ્રતિક્રિયાને બાંગ્લાદેશના લઘુમતી હિન્દુ સમુદાય માટે મહત્વપૂર્ણ સંદેશ તરીકે જોવામાં આવી રહી છે, જેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ધાર્મિક આધારે થતી હિંસા કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.