/connect-gujarat/media/media_files/2025/12/26/student-2025-12-26-14-13-51.jpg)
કેનેડાના ટોરેન્ટો શહેરમાં વધુ એક ભારતીય નાગરિક હિંસાનો ભોગ બનતાં સમગ્ર ભારતીય સમુદાય અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો સ્કારબોરો (UTSC) કેમ્પસ નજીક થયેલા ગોળીબારમાં 20 વર્ષીય ભારતીય પીએચડી વિદ્યાર્થી શિવાંક અવસ્થીનું કરૂણ મોત નીપજ્યું છે. મંગળવારે ભરબપોરે બનેલી આ ઘટનાએ કેનેડામાં ભારતીયોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. આ વર્ષે ટોરેન્ટોમાં નોંધાયેલી આ 41મી હત્યા હોવાનું પોલીસે જણાવ્યું છે, જે શહેરમાં વધી રહેલી હિંસાની ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.
પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ, હાઈલેન્ડ ક્રીક ટ્રેલ અને ઓલ્ડ કિંગ્સટન રોડ વિસ્તારમાં શિવાંક અવસ્થી પર અચાનક ગોળીબાર કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ ઘટના અંજામ આપી તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસ અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ત્યારે શિવાંક ગંભીર રીતે ઘવાયેલા હતા અને થોડા જ સમયમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સુરક્ષા કારણોસર આ ઘટનાના પગલે યુનિવર્સિટી કેમ્પસને થોડા સમય માટે લોકડાઉન કરવો પડ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ દુર્ઘટનાપૂર્ણ ઘટનાને લઈને ટોરેન્ટો સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જારી કરાયેલા નિવેદનમાં દૂતાવાસે જણાવ્યું કે, યુવા ભારતીય ડોક્ટરલ વિદ્યાર્થી શિવાંક અવસ્થીના અચાનક અવસાનથી તેમને ઘેરો આઘાત લાગ્યો છે. દૂતાવાસે ઉમેર્યું કે તે પરિવારના સતત સંપર્કમાં છે અને સ્થાનિક કેનેડિયન અધિકારીઓ સાથે સંકલન સાધીને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ નિવેદન બાદ પણ ભારતીય સમુદાયમાં કેનેડામાં સુરક્ષાને લઈને ચિંતા ઓછી થઈ નથી.
ઘટના બાદ યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો સ્કારબોરોના વિદ્યાર્થીઓમાં વહીવટીતંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જે સ્થળે ગોળીબાર થયો તે કેમ્પસનો જ એક ભાગ છે, જ્યાંથી વિદ્યાર્થીઓ રોજિંદા અવરજવર કરે છે. દિનદહાડે આવી ગંભીર ઘટના થવી એ સુરક્ષા વ્યવસ્થાની ખામી દર્શાવે છે, તેવી લાગણી વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓએ હવે સાંજના સમયે ક્લાસ, લેબ્સ અને પરીક્ષાઓમાં હાજરી આપવા અંગે ડર અને અસલામતીની લાગણી વ્યક્ત કરી છે.
શિવાંક અવસ્થી માત્ર અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી જ નહીં, પરંતુ યુનિવર્સિટીના સામાજિક જીવનનો પણ સક્રિય ભાગ હતા. તેઓ યુનિવર્સિટીની ચીયરલીડિંગ ટીમના સભ્ય હતા અને પોતાની હકારાત્મકતા અને ઊર્જાથી સૌને પ્રેરિત કરતા હતા. ટીમે ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે, શિવાંક હંમેશા પ્રેક્ટિસ દરમિયાન ટીમનો ઉત્સાહ વધારતા અને દરેકના ચહેરા પર સ્મિત લાવતા. તેમણે ઉમેર્યું કે શિવાંક હંમેશા યુનિવર્સિટી પરિવારનો અભિન્ન હિસ્સો રહેશે. નોંધનીય છે કે કેનેડામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીયો સામે હિંસાની આ બીજી મોટી ઘટના છે; આ પહેલા 30 વર્ષીય ભારતીય મૂળની મહિલા હિમાંશી ખુરાનાની હત્યાએ પણ ભારે ચકચાર જગાવી હતી.