બ્રિટનની ટ્રેનમાં અંધાધૂંધ ચાકૂ હુમલો: મુસાફરોમાં દહેશત, 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલા દરમિયાન લોકો પોતાનો જીવ બચાવવા માટે ટોઇલેટમાં છુપાઈ ગયા હતા. આ હુમલામાં કુલ 10 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

New Update
briten

બ્રિટનમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે, જ્યાં પૂર્વી ઇંગ્લેન્ડના કેમ્બ્રિજશાયરમાં ચાલી રહેલી ટ્રેનમાં ચાકૂથી અંધાધૂંધ હુમલો કરવામાં આવ્યો.

આ હુમલાથી ટ્રેનમાં મુસાફરી કરતા લોકોમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલા દરમિયાન લોકો પોતાનો જીવ બચાવવા માટે ટોઇલેટમાં છુપાઈ ગયા હતા. આ હુમલામાં કુલ 10 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ ઘટનાએ આખા બ્રિટનમાં ચિંતા અને આક્રોશનું વાતાવરણ ઊભું કર્યું છે.

હુમલા બાદ તરત જ મોટી સંખ્યામાં પોલીસ અને ઇમરજન્સી સર્વિસિસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું કે “હન્ટિંગડન જતી ટ્રેનમાં અનેક લોકોને ચાકૂથી ઘાયલ કરવામાં આવ્યા હતા. હાલ બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે.” પોલીસે આ હુમલાની તપાસ શરૂ કરી છે અને ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે.

એક પ્રત્યક્ષદર્શીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, “મેં એક વ્યક્તિને મોટા ચાકૂ સાથે જોયો હતો. આસપાસ લોહી જ લોહી હતું, લોકો ચીસો પાડતા હતા અને જીવ બચાવવા માટે ટ્રેનના ટોઇલેટમાં સંતાઈ ગયા હતા. ઘણા મુસાફરો ભયના કારણે ભાગતા હતા અને એકબીજા પર પડી રહ્યા હતા. કેટલાક લોકો ‘અમે તમને પ્રેમ કરીએ છીએ’ એવી ચીસો પાડતા હતા.” આ વર્ણનથી એ સ્પષ્ટ થાય છે કે ઘટનાસ્થળ પર અફરાતફરી અને દહેશતનો માહોલ હતો.

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે આ ઘટનાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ‘X’ (પૂર્વે Twitter) પર લખ્યું કે, “આ ઘટના અત્યંત ચિંતાજનક છે. મારી સંવેદનાઓ બધા પ્રભાવિત લોકો સાથે છે. હું ઝડપથી કાર્યવાહી કરવા બદલ તમામ ઇમરજન્સી સેવાઓનો આભાર માનું છું અને લોકોને પોલીસની સૂચનાનું પાલન કરવા વિનંતી કરું છું.”

બ્રિટનમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાકૂથી થતા ગુનાઓમાં સતત વધારો નોંધાયો છે. સરકારી આંકડાઓ મુજબ, 2011 પછીથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ચાકૂ સંબંધિત ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. બંદૂકો પર કડક નિયંત્રણ હોવાને કારણે ગુનેગારો ચાકૂનો ઉપયોગ વધુ કરે છે. વડાપ્રધાન સ્ટાર્મરે ચાકૂના ગુનાઓને રાષ્ટ્રીય સંકટ ગણાવ્યું છે અને તેને નિયંત્રિત કરવા માટે લેબર સરકારના પ્રયત્નો ચાલુ છે.

આંતરિક મંત્રાલયે તાજેતરમાં જ એક અહેવાલમાં જણાવ્યું છે કે, છેલ્લા દાયકામાં સરકારના પ્રયાસો હેઠળ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં લગભગ 60,000 ચાકૂ અથવા બ્લેડ જપ્ત કરવામાં આવ્યા છે અથવા આત્મસમર્પણ કરાયા છે. જાહેરમાં ચાકૂ રાખવા બદલ ચાર વર્ષ સુધીની સજા થઈ શકે છે. સરકારે જણાવ્યું છે કે, ગયા વર્ષે ચાકૂથી થયેલી હત્યાઓમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં, કેમ્બ્રિજશાયરમાં બનેલી આ તાજેતરની ઘટના બતાવે છે કે બ્રિટનમાં ચાકૂથી થતા હુમલાનો ખતરો હજી પણ ગંભીર છે અને તેને રોકવા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે.

Latest Stories