/connect-gujarat/media/media_files/2025/12/14/oman-2025-12-14-14-15-04.jpg)
ઈરાને ઓમાનની ખાડીમાં વધુ એક કડક કાર્યવાહી કરતા એક ઓઈલ ટેન્કરને જપ્ત કરી લીધું છે, જેમાં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશના કુલ 18 ક્રૂ મેમ્બર સવાર હોવાનું સામે આવ્યું છે.
ઈરાની મીડિયાના અહેવાલ મુજબ આ ઘટના શનિવારે સવારે બની હતી. ઈરાનની અર્ધસરકારી ફોર્સ ન્યૂઝ એજન્સીએ દક્ષિણ પ્રાંત હોર્મોજગાનના એક અધિકારીના હવાલાથી જણાવ્યું હતું કે, ઓમાનના દરિયાકાંઠા નજીક એક ટેન્કર 60 લાખ લીટર ગેરકાયદે ડીઝલ ઈંધણ લઈ જઈ રહ્યું હતું, જેને કબજામાં લેવામાં આવ્યું છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ઈરાની દળો દ્વારા રોકવાનો પ્રયાસ કરાતા પહેલા જ ટેન્કરે પોતાની તમામ નેવિગેશન સિસ્ટમ બંધ કરી દીધી હતી, જે શંકાસ્પદ પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવી.
ઈરાની સત્તાધીશો અનુસાર, આ ટેન્કર ઈંધણ સ્મગલિંગના નેટવર્કનો ભાગ હતું. ઈરાનમાં ઈંધણના ભાવ દુનિયામાં સૌથી ઓછા હોવાથી ગલ્ફ વિસ્તાર અને અન્ય દેશોમાં તેની ગેરકાયદે હેરાફેરી મોટા પ્રમાણમાં થાય છે. આ કારણે ઈરાની સેનાએ છેલ્લા કેટલાક સમયથી ઓમાનની ખાડી અને હોર્મુઝ જલડમરૂમધ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ અને તપાસ વધારી છે. ઈરાની સેના નિયમિત રીતે આવા જહાજોને રોકવાની જાહેરાત કરતી રહે છે અને દાવો કરે છે કે તે દેશના આર્થિક સંસાધનોની રક્ષા માટે જરૂરી પગલું છે.
ગત મહિને પણ ઈરાને એક અન્ય ઓઈલ ટેન્કરને જપ્ત કર્યું હતું, જેમાં ગેરકાયદે કાર્ગો લઈ જવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે, ઈરાની અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, આવી કાર્યવાહી કોઈ ખાસ દેશ સામે બદલો લેવાની ભાવનાથી કરવામાં આવતી નથી, પરંતુ માત્ર કાયદાના અમલ માટે છે. તેમનું કહેવું છે કે, ઈંધણ સ્મગલિંગ દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડે છે અને તેને રોકવું અનિવાર્ય છે.
ઉલ્લેખનીય છે કે, આ ક્ષેત્રમાં કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવાનો ઈરાનનો ભૂતકાળ રહ્યો છે. ગયા નવેમ્બરમાં હોર્મુઝ જલડમરૂમધ્યમાં માર્શલ આઇલેન્ડ્સના ઝંડા હેઠળ ચાલતું ટેન્કર ‘તલારા’ પણ ઈરાને જપ્ત કર્યું હતું. તે સમયે તેહરાને આરોપ મૂક્યો હતો કે, સિંગાપુર તરફ જઈ રહેલું આ જહાજ ગેરકાયદે પેટ્રોકેમિકલ ઉત્પાદનોની ખેપ લઈ જઈ રહ્યું હતું. ઈરાનના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી કોર્ટના આદેશ બાદ કરવામાં આવી હતી.
આ તાજી કાર્યવાહી એવા સમયે થઈ છે, જ્યારે માત્ર બે દિવસ પહેલા જ અમેરિકા દ્વારા વેનેઝુએલાના દરિયાકાંઠે એક ઓઈલ ટેન્કર જપ્ત કરવામાં આવ્યું હતું. વોશિંગ્ટને દાવો કર્યો હતો કે, તે જહાજ હિઝબુલ્લાહ અને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સને સમર્થન આપતા પ્રતિબંધિત ઓઈલ નેટવર્કનો ભાગ હતું. અમેરિકન નાણા વિભાગે આ મામલે વેનેઝુએલા પર પ્રતિબંધો લાદ્યા હતા અને યુએસ કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી જહાજ પર ચઢીને તેને કબજામાં લીધું હતું.
આ સમગ્ર ઘટનાક્રમને કારણે ગલ્ફ વિસ્તારમાં ફરી એકવાર તણાવ વધતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને ભારતીય, શ્રીલંકન અને બાંગ્લાદેશી નાગરિકો ટેન્કરમાં સવાર હોવાની માહિતી બાદ આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નજર રાખવામાં આવી રહી છે. હવે ઈરાન આ ક્રૂ મેમ્બરો અંગે શું નિર્ણય લે છે અને સંબંધિત દેશો કેવી પ્રતિક્રિયા આપે છે, તેના પર સમગ્ર વિસ્તારની સ્થિતિ નિર્ભર રહેશે.