/connect-gujarat/media/media_files/2025/11/23/fire-2025-11-23-16-36-05.jpg)
સીઝફાયરની જાહેરાત બાદ પણ ગાઝામાં હિંસા અટકતી નહિં જોવા મળી.
શનિવારે ઈઝરાયલે ગાઝાના અનેક વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા, જેમાં ઓછામાં ઓછા 20 પેલેસ્ટિનિઓના મોત થયા અને 80થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું. પ્રત્યક્ષદર્શીઓના મતે પહેલો હુમલો રિમલ વિસ્તારમાં એક કાર પર થયો, કારમાં આગ લાગી અને પાંચ લોકોનું મોત થયું. આ હુમલો યુદ્ધવિરામ પછીના સૌથી ઘાતક દિવસોમાં ગણાયો છે.
આ પ્રથમ હુમલા પછી ઈઝરાયલે દેર અલ-બલાહ શહેર અને નુસેરત કેમ્પમાં બે ઘરોને નિશાન બનાવ્યા, જેમાં 10 લોકોના મોત થયા. ઉપરાંત પશ્ચિમ ગાઝામાં એક ઘર પર થયેલા હવાઈ હુમલામાં પાંચ લોકોના મોત થયા. ઘટનાસ્થળે રહેલા ફોટોગ્રાફરોના જણાવ્યા પ્રમાણે લોકો બળી ગયેલી કાર તરફ દોડી રહ્યા હતા, જ્યારે બાળકો અંદર પડેલું ખાવાનું બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા—જે પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરે છે.
ઈઝરાયલએ આ હુમલાઓ માટે હમાસને જવાબદાર ગણાવ્યું છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે હમાસ પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યાનો આરોપ મૂક્યો, જ્યારે ઈઝરાયલી સેનાએ દાવો કર્યો કે એક બંદૂકધારી ગાઝાના તે વિસ્તારમાં ઘૂસી ગયો જ્યાંથી માનવતાવાદી સહાય પહોંચાડવામાં આવે છે. ઈઝરાયલના મતે આ યુદ્ધવિરામનું સીધું ઉલ્લંઘન છે.
હમાસે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. હમાસના નેતાઓનું કહેવું છે કે તેઓએ યુદ્ધવિરામનું સંપૂર્ણપણે પાલન કર્યું છે અને ઈઝરાયલ જ ceasefire ને તોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. બે વર્ષના લાંબા ગાઝા યુદ્ધ પછી 10 ઓક્ટોબરે અમેરિકીની મધ્યસ્થીથી થયેલા ceasefire કરાર પર હસ્તાક્ષર થયા હતાં, પરંતુ વ્યવહારમાં હિંસા હજી સુધી સંપૂર્ણપણે અટકી નથી.
ઈઝરાયલ તરફથી ફરી નિવેદન આવ્યું કે તેમણે યુદ્ધવિરામનું પાલન કર્યું છે અને હમાસે નથી. ઈઝરાયલે મધ્યસ્થી દેશોને વિનંતી કરી છે કે હમાસને તેના વચનોનું પાલન કરાવવા દબાણ કરે. સવાલ એ છે કે જો ceasefire જ આટલો નાજુક હોય અને બંને પક્ષો દ્વારા આક્ષેપ-પ્રત્યારોપ ચાલુ રહે, તો આ ક્ષેત્રમાં શાંતિ ક્યારે સ્થાપિત થશે?