/connect-gujarat/media/media_files/2025/11/26/jakarta-2025-11-26-16-28-21.jpg)
યુનાઇટેડ નેશનના તાજેતરના અહેવાલ મુજબ ઇન્ડોનેશિયાનું પાટનગર જકાર્તા વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બની ગયું છે.
કુલ 4.2 કરોડની વસ્તી સાથે જકાર્તાએ જાપાનના ટોક્યોને પાછળ છોડ્યું છે, જે છેલ્લા 25 વર્ષથી વિશ્વમાં નંબર વન સ્થાને હતું. આ અંગે જકાર્તાના રુજાક સેન્ટર ફોર અર્બન સ્ટડીઝની ડિરેક્ટર એલિસા સુતાનુદજાએ જણાવ્યું કે શહેરીજનો આ સ્થિતિ વિશે પહેલેથી જ વાકેફ હતા, અને હવે યુએનની પુષ્ટિથી આ હકીકત સત્તાવાર બની છે.
જકાર્તાની ગીચ વસ્તી અને અનિયોજિત શહેરી વિકાસ મોટા પડકાર રૂપ બની રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન ભારે વરસાદ, પૂરની પરિસ્થિતિ અને નબળું સંકલન ઘણી સમસ્યાઓને જન્મ આપે છે. બીજી તરફ, ટોક્યોની વસ્તી જાપાનમાં થતી વસ્તી ઘટાડાની અસરને કારણે ઘટીને 3.3 કરોડ આસપાસ આવી પહોંચી છે, જેના કારણે હવે તે વિશ્વમાં ત્રીજા નંબરે ખસી ગયું છે.
આ યાદીમાં બાંગ્લાદેશનું ઢાકા શહેર 3.7 કરોડની વસ્તી સાથે બીજા સ્થાને છે. યુએનના ઇકોનોમિક અને સોશિયલ અફેર્સ વિભાગના અભ્યાસ અનુસાર ઢાકાની વસ્તી 2050 સુધીમાં સૌથી વધુ થવાની શક્યતા છે, જો હાલની વૃદ્ધિ દર યથાવત્ રહે.
વિશ્વના ટોચના દસ સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાંથી નવ એશિયા ખંડના છે, જ્યારે માત્ર ઇજિપ્તનું કેરો નોન-એશિયન શહેર તરીકે યાદીમાં છે. વર્ષ 2025માં 8.2 અબજની વિશ્વ વસ્તીમાં 45 ટકા લોકો શહેરોમાં વસે છે, જ્યારે 1950માં આ આંકડો માત્ર 20 ટકા હતો. છેલ્લા 50 વર્ષોમાં 10 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા મેગાસિટીની સંખ્યા ચોગણી વધીને 33 થઈ છે, જેમાંથી 19 શહેરો એશિયામાં આવેલાં છે. વધતા શહેરીકરણને નિયંત્રણમાં લેવા માટે ગ્રામીણ વિસ્તારોના વિકાસ, રહેઠાણ અને જમીનના સદુપયોગ પર વિશ્વના દેશોએ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત છે.