નાતાલ પહેલાં ઓસ્ટ્રેલિયામાં યહૂદી પર હુમલો, મેલબર્નમાં કાર સળગાવવાનો પ્રયાસ

પોલીસના જણાવ્યા મુજબ, નાતાલની સવાર પહેલા ઘરના ડ્રાઇવ-વેમાં પાર્ક કરેલી રબ્બીની કાર પર આગ લગાવનારો બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.

New Update
austrrlia

ઓસ્ટ્રેલિયામાં નાતાલની સવાર પહેલા ફરી એકવાર યહૂદી સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો છે.

મેલબર્નના સેન્ટ કિલ્ડા ઇસ્ટ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ એક રબ્બીની કાર પર ફાયર બોમ્બ ફેંકી તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન સરકારે આ ઘટનાને ફાયર બોમ્બિંગ ગણાવી છે, જ્યારે વડાપ્રધાન એન્થની અલ્બનીઝે તેને શંકાસ્પદ એન્ટી-સેમિટિક હુમલો ગણાવ્યો છે. એન્ટી-સેમિટિઝ્મ એટલે યહૂદીઓ પ્રત્યે ઘૃણા, ભેદભાવ અને દુશ્મનીની વિચારધારા, જે દુનિયાના અનેક દેશોમાં ફરીથી માથું ઉંચું કરી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, નાતાલની સવાર પહેલા ઘરના ડ્રાઇવ-વેમાં પાર્ક કરેલી રબ્બીની કાર પર આગ લગાવનારો બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આગના કારણે કારનો દરવાજો બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમયસર કાર્યવાહી કરીને રબ્બી તથા તેમના પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. કાર પર ‘હેપ્પી હનુક્કા’ લખાયેલું નાનું બોર્ડ લગાવેલું હતું, જેને કારણે આ હુમલો ખાસ યહૂદી વિરોધી ભાવનાથી પ્રેરિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે રબ્બીના પરિવારને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો છે. મૂરેબિન ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન યુનિટના જાસૂસો ગુરુવારે (25 ડિસેમ્બર) સેન્ટ કિલ્ડા ઇસ્ટમાં લાગેલી આ શંકાસ્પદ આગની તપાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન એક એવી વ્યક્તિની ઓળખ કરવામાં આવી છે, જે ઘટનાની તપાસમાં મદદરૂપ થઈ શકે છે. ગુરુવારે સવારે બળેલી કારને ડ્રાઇવ-વેમાંથી દૂર કરવામાં આવી હતી, પરંતુ તૂટેલા કાચ અને આગના નિશાન હજી પણ મેલબર્નના યહૂદી સમુદાય વસતા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે.

આ ઘટનાને લઈને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, બોન્ડી ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદથી જ ઓસ્ટ્રેલિયાનો યહૂદી સમુદાય ડર અને શોકના માહોલમાં છે. મેલબર્નમાં એક કારને આગ લગાવવાની ઘટના યહૂદી વિરોધી માનસિકતાનું વધુ એક ખતરનાક ઉદાહરણ છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં નફરત અને જાતિવાદ માટે કોઈ જગ્યા નથી અને ફેડરલ અધિકારીઓ રાજ્ય સરકારને સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે આ આગચંપીની ઘટના પહેલા માત્ર 11 દિવસ અગાઉ હનુક્કા તહેવાર દરમિયાન યહૂદીઓને નિશાન બનાવી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં 15 નિર્દોષ લોકોના મોત થયા હતા. યહૂદીઓનો પ્રકાશનો તહેવાર હનુક્કા 22 ડિસેમ્બરે પૂર્ણ થયો હતો, પરંતુ તેના આસપાસ બનેલી ઘટનાઓએ યહૂદી સમુદાયની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે. સતત બની રહેલી આવી ઘટનાઓથી ઓસ્ટ્રેલિયામાં એન્ટી-સેમિટિઝ્મ વધતો હોવાની આશંકા વધુ મજબૂત બની રહી છે.

Latest Stories