/connect-gujarat/media/media_files/2025/12/09/jakarta-2025-12-09-16-02-42.jpg)
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં સોમવારે બપોરે એક ભયાનક દુર્ઘટનાએ શહેરને હચમચાવી દીધું.
મધ્ય જકાર્તાના રહેણાંક અને વ્યાપારી વિસ્તારમાં આવેલી સાત માળની ઓફિસ બિલ્ડિંગમાં ભડકેલી આગે ક્ષણોમાં જ સમગ્ર ઇમારતને પોતાની ઝપેટમાં લીધી હતી. સ્થાનિક ચેનલોના જણાવ્યા મુજબ, આ વિનાશક ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા છે, જેમાં 15 મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. ઘણા લોકોનો જીવ ગુંગળામણને કારણે ગયો હોવાનું જણાઈ રહ્યું છે. આગ લાગતા જ ઇમારતમાંથી ધુમાડાના ભારે ગોટેગોટા આકાશમાં ફેલાયા અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ આગની શરૂઆત ઇમારતના પહેલા માળે રાખેલી બેટરીમાંથી થઈ હતી. કર્મચારીઓએ શરૂઆતમાં આગને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેટરીમાં લાગેલી આગ અત્યંત ઝડપથી ફેલાઈ અને થોડા જ સમયમાં સાતમા માળ સુધી પહોંચી ગઈ. ધુમાડો અને આગનો વ્યાપ વધતા લોકો ઇમારતમાંથી બહાર નીકળવા દોડ્યા, પરંતુ ઘણા લોકો અંદર જ ફસાઈ ગયા. ફાયર બ્રિગેડના દળોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘણા કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી.
મીડિયા રિપોર્ટ મુજબ હજી પણ કેટલાક લોકો બિલ્ડિંગની અંદર ફસાયેલા હોવાની આશંકા છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ હાલમાં ઇમારતના દરેક માળની સઘન તપાસ કરી રહી છે જેથી બચેલાં લોકોને શોધી શકાય અને આગથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી શકાય. આ દુર્ઘટનાએ જકાર્તામાં સુરક્ષા વ્યવસ્થાઓ અને બેટરી સ્ટોરેજની વ્યવસ્થાઓ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.