મેક્સિકોએ ભારત પર 50% સુધી ટેરિફ લગાવ્યા, વેપાર પર મોટો ઝાટકો

આ ઐતિહાસિક પગલાનું અમલ  જાન્યુઆરી 2026થી થશે અને તેની અસર સીધી રીતે ચીન, ભારત, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ જેવા એશિયાઈ દેશો પર પડશે.

New Update
maxico

મેક્સિકોએ વૈશ્વિક વેપારને ઝંઝોડીને નાખે એવો નિર્ણય જાહેર કર્યો છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓની અસર હવે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે, અને હવે મેક્સિકોએ પણ 1463થી વધુ આયાતી વસ્તુઓ પર 5 થી 50 ટકા સુધીનો ઊંચો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક પગલાનું અમલ  જાન્યુઆરી 2026થી થશે અને તેની અસર સીધી રીતે ચીન, ભારત, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ જેવા એશિયાઈ દેશો પર પડશે. મેક્સિકોની સેનેટે મોટા મતે આ ફેરફારોને મંજૂરી આપી છે, જે દર્શાવે છે કે દેશે તેના દાયકાઓ જૂના ફ્રી-ટ્રેડ વલણથી મોટો બદલો લાવવાનો નિર્ણય કર્યો છે. મેક્સિકન સરકાર મુજબ નવા ટેરિફથી વાર્ષિક લગભગ 3.8 અબજ ડોલરની વધારાની આવક થવાની અપેક્ષા છે.

આ ટેરિફનો સૌથી વધુ પ્રભાવ તેઓ દેશો પર થશે, જેમનો મેક્સિકો સાથે કોઈ દ્વિપક્ષીય વેપાર કરાર નથી. સૂચિત યાદીમાં ઓટો પાર્ટ્સ, ટેક્સટાઈલ, સ્ટીલ, ઘરેલુ એપ્લાયન્સિસ, રમકડાં, ફર્નિચર, પેપર, પ્લાસ્ટિક, મોટરસાઇકલ્સ, કોસ્મેટિક્સ, ટ્રેલર્સ, ગ્લાસ, ફૂટવેર અને અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. મોટા ભાગના એશિયાઈ દેશો માટે મેક્સિકો એક મહત્વનું ગંતવ્ય છે. ચીનની નિકાસ પર સૌથી વધારે પ્રભાવ પડશે કારણ કે તેણે 2024માં મેક્સિકોને 130 અબજ ડોલરની સપ્લાય કરી હતી. ભારતની સ્થિતિ પણ ગંભીર છે—તે મેક્સિકોનું 9મું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે અને 2023માં દ્વિપક્ષીય વેપાર 10.58 અબજ ડોલર હતો.

ભારતીય નિકાસકારો માટે આ એક મોટો ઝટકો છે. ખાસ કરીને ઓટોમોબાઈલ ઉદ્યોગને તીવ્ર અસર થવાની છે. ફોક્સવેગન, હ્યુન્ડાઈ, મારુતિ સુઝુકી અને નિસાન જેવી કંપનીઓ ભારતમાં બનેલા કાર મોડલ્સને મેક્સિકોમાં મોટા પ્રમાણમાં નિકાસ કરતી આવી છે. હાલ કાર પર લાગતો 20% ટેરિફ વધીને સીધો 50% થશે. આશંકા છે કે આ નવા ટેરિફથી માત્ર કાર નહીં, પરંતુ ભારતના લગભગ 1 અબજ ડોલરના નિકાસી ઉત્પાદન પર સીધી આર્થિક અસર પડશે. ભારત હાલ લેટિન અમેરિકામાં કપડાં, ઓટો પાર્ટ્સ અને એન્જિનિયરિંગ માલની નિકાસ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ ઊંચા ટેરિફ તેને હવે વધુ પડકારરૂપ બનાવી શકે છે.

ટેરિફ હાઈકનો વિરોધ મેક્સિકોની અંદર પણ વધતો જઈ રહ્યો છે. વેપારી જૂથો અને કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય સ્થાનિક ઉદ્યોગોને સક્ષમ બનાવવામાં મદદરૂપ થશે કે નહીં તે હજી સ્પષ્ટ નથી. અનેક વિશ્લેષણોનો દાવો છે કે મેક્સિકન પ્રમુખ ક્લાઉડિયા શિનબામે આ પગલું અમેરિકાના દબાણ હેઠળ લીધું છે અને તે ચીની માલ સામે વોશિંગ્ટન દ્વારા દાખવેલી કડક નીતિઓ સાથે સુમેળ સાધે છે. જોકે શિનબામે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમ છતાં મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે નવા ટેરિફનું માળખું અમેરિકન વેપાર હિતો સાથે મેળ ખાતું જણાય છે.

ભારત-મેક્સિકો વેપાર પણ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રીતે વધ્યો છે. 2022માં બંને દેશો વચ્ચેનો વેપાર 11.4 અબજ ડોલર હતો, જે 2023માં થોડો ઘટીને 10.6 અબજ રહ્યો હતો. પરંતુ 2024માં નવો રેકોર્ડ સર્જાતાં વેપાર 11.7 અબજ ડોલરે પહોંચ્યો. 2024માં પણ ભારતનો ટ્રેડ સરપ્લસ ખૂબ ઉંચો રહ્યો હતો—ભારતે મેક્સિકોને 8.9 અબજ ડોલરની નિકાસ કરી હતી, જ્યારે આયાત માત્ર 2.8 અબજ ડોલરની હતી. હવે નવા ટેરિફના અમલથી આ સંતુલન બગડવાની પૂરી શક્યતા છે.

Latest Stories