/connect-gujarat/media/media_files/2025/12/21/russia-2025-12-21-15-39-29.jpg)
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતમાંથી એક ગંભીર અને ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે.
ભારત સરકારના જણાવ્યા અનુસાર, આ યુદ્ધમાં રશિયાની સેનામાં જોડાવા માટે 200થી વધુ ભારતીય નાગરિકોએ ભરતી કરી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં આ માહિતી જાહેર કરી હતી. મંત્રાલયના નિવેદન મુજબ, ફેબ્રુઆરી 2024થી અત્યાર સુધીમાં કુલ 202 ભારતીય નાગરિકો રશિયાના સશસ્ત્ર દળોમાં જોડાયા હતા. જોકે, રાહતની વાત એ છે કે સરકારના સતત કૂટનીતિક પ્રયાસોના પરિણામે આમાંથી 119 ભારતીયોને વહેલી મુક્તિ અપાઈ છે અને તેમને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા છે.
વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 26 ભારતીય નાગરિકોના મોત થયા છે, જ્યારે સાત ભારતીયો હજુ પણ ગુમ હોવાનું નોંધાયું છે. આ આંકડો ભારત માટે અત્યંત ચિંતાજનક છે, કારણ કે યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ભારતીયોની સલામતી સરકાર માટે સૌથી મોટી પ્રાથમિકતા બની ગઈ છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે રશિયન સેનામાં હજુ પણ સેવા આપી રહેલા આશરે 50 ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરાવવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ સાથે જ, યુદ્ધમાં મૃત્યુ પામેલા 10 ભારતીય નાગરિકોના મૃતદેહોને ભારત લાવવા માટે પણ સતત પ્રયત્નો ચાલી રહ્યા છે.
ભારત સરકારે આ સમગ્ર મામલે રશિયા સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય નાગરિકોની સલામતી, સુખાકારી અને વહેલી મુક્તિ માટે રશિયન અધિકારીઓ સાથે તમામ સ્તરે વાતચીત થઈ રહી છે. આ ચર્ચાઓમાં બંને દેશોના નેતાઓ, મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. મૃત અથવા ગુમ થયેલા ભારતીયોની ઓળખ માટે અત્યાર સુધીમાં 18 ભારતીય નાગરિકોના ડીએનએ નમૂનાઓ રશિયન અધિકારીઓને સોંપવામાં આવ્યા છે, જેથી મૃત્યુ પામેલા લોકોની ચોક્કસ ઓળખ કરી શકાય અને તેમના પરિવારજનોને સ્પષ્ટ માહિતી મળી શકે.
સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન એ ઊભો થયો છે કે રશિયન સેનામાં આટલા મોટા પ્રમાણમાં ભારતીય નાગરિકો કેવી રીતે પહોંચી ગયા. અહેવાલો મુજબ, રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ રશિયાએ વિદેશી નાગરિકોની ભરતી માટે અનેક દેશોમાં વ્યાપક અભિયાન ચલાવ્યું છે. અત્યાર સુધીમાં રશિયાએ લગભગ 128 દેશોના નાગરિકોને પોતાની સેનામાં જોડાવા માટે આકર્ષવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. નોકરી, વધુ પગાર અને નાગરિકતા જેવા પ્રલોભનો આપીને યુવાનોને યુદ્ધ ક્ષેત્રમાં ખેંચવામાં આવ્યા હોવાના પણ અહેવાલો છે.
આ યુદ્ધને અત્યાર સુધીના સૌથી ઘાતક સંઘર્ષોમાંનું એક માનવામાં આવે છે. વિવિધ આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો માર્યા ગયા છે અથવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. માત્ર રશિયામાં જ આશરે 7 લાખ 90 હજાર લોકોના મોત થયા હોવાનો અંદાજ છે, જ્યારે લગભગ 85 હજાર સૈનિકો ગુમ થયાનું કહેવાય છે. લગભગ ચાર વર્ષથી ચાલતા આ યુદ્ધમાં રશિયાએ યુક્રેનના મોટા વિસ્તાર પર કબજો કર્યો છે. અહેવાલો અનુસાર, યુક્રેનના આશરે 12 ટકા પ્રદેશ પર સીધો કબજો અને લગભગ 20 ટકા વિસ્તારમાં રશિયાનો નિયંત્રણ છે, જેમાં અગાઉ ભેળવાયેલું ક્રિમીઆ પણ સામેલ છે.
ભારત સરકારે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે આ મામલાને તે અત્યંત ગંભીરતાથી લઈ રહી છે અને યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા દરેક ભારતીય નાગરિકને સુરક્ષિત રીતે પરત લાવવાનો તેનો પ્રયાસ અવિરત ચાલુ રહેશે. સરકારનું કહેવું છે કે કૂટનીતિક માર્ગે દબાણ વધારીને બાકી રહેલા ભારતીયોની વહેલી મુક્તિ અને પરિવારજનોને ન્યાય અપાવવાનો દરેક સંભવ પ્રયાસ કરવામાં આવશે.