/connect-gujarat/media/media_files/2025/09/17/nepal-2025-09-17-16-23-53.jpg)
નેપાળમાં Gen-Zએ મોટું પરિવર્તન લાવ્યું છે. Gen Zએ પ્રદર્શન કરીને નેપાળમાં સત્તા પલટો કરી દીધો છે. અત્યારે નવી સરકારે પોતાનો કાર્યકાળ પણ શરૂ કરી દીધો છે.
સુશીલા કાર્કીને નેપાળના નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યાં છે. નેપાળના આ વચગાળાની સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. Gen-Z આંદોલનમાં જે યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેવા Gen-Z યુવાનોને રાષ્ટ્રીય સન્માન આપવાની અને સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આજે નેપાળમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ રહેશે અને સાથે દેશભરમાં આજે રજા પણ જાહેર કરવામાં આવી છે.
વચગાળાના અને નેપાળના પહેલા મહિલા વડાપ્રધાન સુશીલા કાર્કીએ પોતાની પહેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો હતો. નેપાળમાં 7 સપ્ટેમ્બરે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે, તેના બીજા જ દિવસે એટલે કે 8મી સપ્ટેમ્બરે યુવાનો રસ્તા પર ઉતરી આવે છે અને હિંસક પ્રદર્શન શરૂ કરી દે છે. આ હિંસક પ્રદર્શન દરમિયાન 72 યુવાનોના મોત થયાં હતા. નેપાળમાં Gen-Z જે આંદોલન કરવામાં આવ્યો તે નેપાળના ઈતિહાસમાં સૌથી મોટું આંદોલન હતું.
સુશીલા કાર્કીએ 14મી સપ્ટેમ્બરે નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ સરકારે Gen-Z આંદોલનમાં જેમનું મોત થયું તેમને રાષ્ટ્રીય સન્માન આપવાનું નક્કી કર્યું છે. એટલું જ નહીં પરંતુ તે મૃતકોને શહીદનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રત્યેક શહીદના પરિવારને 15 લાખ નેપાળી રૂપિયા આપવામાં આવશે. આ પહેલા આ રકમ 10 લાખ નેપાળી રૂપિયા હતી જે વધારીને હવે 15 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે સાથે આંદોલન દરમિયાન બનેલી ઘટનાઓ અંગે નિષ્પક્ષ તપાસ કરવાના પણ આદેશ કરવામાં આવ્યાં છે.
આ સમગ્ર અંગે રાષ્ટ્રને સંબોધન કરકા સુશીલા કાર્કીએ કહ્યું કે, ‘આ શોકનો દિવસ ફક્ત ખોવાયેલા યુવાનોને શ્રદ્ધાંજલિ જ નહીં, પણ નેપાળના ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ છે. અમે ભ્રષ્ટાચારમુક્ત શાસન અને યુવાનોના અવાજો સાંભળવા માટે પ્રતિબદ્ધ છીએ’. આજે નેપાળમાં સરકારી કાર્યાલય, શાળાઓ અને સંસ્થાઓ બંધ રહેશે. એટલું જ નહીં પરંતુ જ્યારે તમામ સરકારી ઇમારતો, દૂતાવાસો અને વિદેશી મિશનોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે.