/connect-gujarat/media/media_files/2025/11/28/nepal-2025-11-28-13-16-52.jpg)
નેપાળે ફરી એકવાર ભારત સાથેનો સરહદ વિવાદ ચગાવ્યો છે. નેપાળની સેન્ટ્રલ બેન્ક– નેપાળ રાષ્ટ્ર બેન્ક (NRB)એ 100 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડી છે, જેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા ભારતના વિસ્તારોને પોતાના ગણાવી દર્શાવવામાં આવ્યા છે. આ નોટ પર ભૂતપૂર્વ ગવર્નર મહાપ્રસાદ અધિકારીના હસ્તાક્ષર છે અને પર વર્ષ 2081 બીએસ (ગ્રેગોરીયન વર્ષની ગણતરી પ્રમાણે 2024)નો ઉલ્લેખ છે. ભારત માટે સંવેદનશીલ ગણાતા આ ત્રણેય વિસ્તારો હાલમાં ભારતના વહીવટી નિયંત્રણ હેઠળ છે અને નેપાળના આવા દાવાઓને ભારત અગાઉથી જ ‘એકતરફી અને તથ્યવિહીન’ ગણાવી નકારી ચૂક્યું છે.
આ વિવાદનો મૂળ સ્ત્રોત મે 2020માં ત્યારે સર્જાયો હતો, જ્યારે કેપી શર્મા ઓલિની સરકારે નેપાળનો નવો રાજકીય નકશો રજૂ કર્યો હતો. આ નકશામાં પ્રથમ વખત લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા નેપાળના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ નકશાને સંસદે પણ મંજૂરી આપી, જેના કારણે ભારત-નેપાળ સંબંધોમાં તણાવ વધ્યો. ભારતે તે સમયે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ વિસ્તારો ઐતિહાસિક તેમજ ભૌગોલિક રીતે ભારતના છે અને નેપાળ દ્વારા કરવામાં આવતા કોઈપણ દાવાને સ્વીકારવામાં નહીં આવે. નવો નકશો નોટ પર મૂકવાના નેપાળના નિર્ણયને ભારત ફરી વખત ઉશ્કેરણીજનક અને અનાવશ્યક તણાવ સર્જનાર પગલું ગણાવી શકે છે.
નેપાળની સેન્ટ્રલ બેન્કે સ્પષ્ટ કર્યું છે કે માત્ર રૂ. 100ની નોટ પર જ આ સુધારાયેલ નકશો મૂકવામાં આવ્યો છે. બેન્કના જણાવ્યા અનુસાર જૂની 100 રૂપિયાની નોટ પર પણ નકશો હતો, પરંતુ હવે તેને સરકારના નકશા સુધારણા નિર્ણય મુજબ અપડેટ કરવામાં આવ્યો છે. અન્ય નોટ– જેમ કે રૂ. 10, 50, 500 અને 1000 પર કોઈ નકશો નથી. આ જાહેરાત સાથે જ નેપાળમાં કેટલાક વર્ગોએ આ નિર્ણયને રાષ્ટ્રીય અસ્મિતાની બાબત તરીકે વખાણી છે, જ્યારે વિરોધ પક્ષે તેને રાજકીય લોકલાભ માટેનું પગલું ગણાવ્યું છે.
નવી ચલણી નોટના ડિઝાઇનમાં ડાબી બાજુ માઉન્ટ એવરેસ્ટનું ચિત્ર, મધ્ય ભાગમાં લાલ બુરાંશ (નેપાળનું રાષ્ટ્રીય ફૂલ)નું વોટરમાર્ક અને કેન્દ્રમાં લીલા રંગમાં નેપાળનો નવો નકશો દર્શાવવામાં આવ્યો છે. નકશા પાસે જ અશોક સ્તંભનું ચિત્ર છે, જેમાં ‘લુમ્બિની– જન્મભૂમિ ઑફ લોર્ડ બુદ્ધ’ લખાયું છે. નોટની સંપૂર્ણ રચનામાં રાષ્ટ્રીય પ્રતીકો અને ભૌગોલિક દાવાઓને એક સાથે પ્રદર્શિત કરવાની કોશિશ જોવા મળે છે, જે નેપાળના રાજકીય સંકેતો તરફ પણ ઇશારો કરે છે.
ભારત-નેપાળ વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે, પરંતુ સરહદ સંબંધિત વિવાદો વારંવાર તણાવ સર્જે છે. નેપાળની નવી નોટ પર વિવાદિત વિસ્તારોના સમાવેશને કારણે બંને દેશો વચ્ચે ફરી રાજનૈતિક ચર્ચાઓ અને વાંધાઓ ઉદ્ભવવાની શક્યતા છે. ભારત અગાઉની જેમ હવે પણ આ મુદ્દા પર પોતાની સખત નીતિ જાળવી રાખે તેવી શક્યતા છે, કારણ કે સરહદની સ્થિતિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ભારત માટે સ્વીકાર્ય નથી.