/connect-gujarat/media/media_files/2025/12/18/nitish-kumar-2025-12-18-15-33-59.jpg)
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એક નવા અને સંવેદનશીલ વિવાદમાં ફસાયા છે, જે હવે માત્ર દેશની અંદર નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે.
પટનામાં આયુષ વિભાગના તબીબોને નિમણૂક પત્રો વહેંચવાના કાર્યક્રમ દરમિયાન એક મુસ્લિમ મહિલા ડૉક્ટરને પ્રમાણપત્ર આપતી વેળાએ નીતિશ કુમારે તેમના ચહેરા પરથી હિજાબ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે પ્રતિક્રિયા શરૂ થઈ, અને હવે આ મુદ્દો ખાસ કરીને ગલ્ફ દેશોમાં ગંભીર ટીકા અને આક્રોશનું કારણ બન્યો છે.
આ ઘટના બાદ તુર્કી, કતાર અને અન્ય ગલ્ફ દેશોના મીડિયામાં નીતિશ કુમારના વર્તનને લઈને આકરી ટીકા થઈ રહી છે. આરબ મીડિયાના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, બે દાયકાથી વધુ સમય સુધી મુખ્યમંત્રી પદ પર રહેલા નેતાથી આવી અસમવેદનશીલ હરકત અપેક્ષિત નથી અને તે જાહેર પદની ગરિમાને શોભતી નથી. ગલ્ફ દેશોના કેટલાક અખબારો અને ન્યૂઝ પોર્ટલ્સે આ ઘટનાને ભારતમાં મુસ્લિમ સમુદાય સામે વધતા ભેદભાવ અને અસહિષ્ણુતાના સંદર્ભમાં રજૂ કરી છે. ‘મિડલ ઈસ્ટ ઈવેન્ટ્સ’ નામની મીડિયા સંસ્થાએ પણ આ વીડિયો શેર કરીને નીતિશ કુમારના આ કૃત્ય પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ મુદ્દાને ઉછાળી ભારત પર નિશાન સાધ્યું છે. ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે આ ઘટના ભારતમાં અલ્પસંખ્યકો સાથેના વર્તનનું પ્રતિબિંબ છે. ગલ્ફ દેશોમાં રહેતા સામાન્ય નાગરિકો પણ X (પૂર્વે ટ્વિટર), ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આ ઘટનાને ‘શારીરિક અને માનસિક પજવણી’ તરીકે વર્ણવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, કોઈ મહિલાની સંમતિ વિના તેનું હિજાબ ખેંચવું એ સ્પષ્ટ રીતે સતામણી છે અને આવા કૃત્ય સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. અન્ય કેટલાક યુઝર્સે ભારતમાં મુસ્લિમ મહિલાઓની સુરક્ષા અને સન્માન અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ભારતમાં આ મુદ્દે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વિપક્ષી પક્ષો અને અનેક સામાજિક કાર્યકરો આ ઘટનાને મહિલાની વ્યક્તિગત આસ્થા અને ગરિમાનો અપમાન ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, કોઈપણ જાહેર મંચ પર કોઈ મહિલાની ધાર્મિક ઓળખમાં દખલ કરવાનો અધિકાર કોઈને નથી, ભલે તે કેટલું પણ મોટું પદ ધરાવતું હોય. બીજી તરફ, કેટલાક લોકો નીતિશ કુમારના સમર્થનમાં આ ઘટનાને ‘હિજાબમાંથી આઝાદી’ અથવા ‘સામાન્ય સંકેત’ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જોકે આ દલીલોને વ્યાપક સમર્થન મળતું દેખાતું નથી.
આ વિવાદે ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે જાહેર જીવનમાં બેઠેલા નેતાઓના દરેક શબ્દ અને દરેક હાવભાવની અસર માત્ર દેશ સુધી સીમિત રહેતી નથી. એક ક્ષણનું અસમજદારીભર્યું વર્તન દેશની આંતરરાષ્ટ્રીય છબી પર પણ અસર કરી શકે છે. ધાર્મિક સંવેદનાઓ, મહિલાની સ્વતંત્રતા અને વ્યક્તિગત સન્માન જેવા મુદ્દાઓ પર સંયમ અને સંવેદનશીલતા રાખવી આજના સમયમાં નેતાઓ માટે માત્ર નૈતિક ફરજ નહીં, પરંતુ વૈશ્વિક જરૂરિયાત બની ગઈ છે.