લેબનોનમાં હિઝબુલ્લા સાથે સંકળાયેલા સભ્યોના પેજર (કોમ્યુનિકેશન ડિવાઇસ)માં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્લાસ્ટમાં 1 બાળક સહિત 9 લોકોના મોત થયા છે. 2750થી વધુ ઘાયલ થયા છે. જેમાંથી 200ની હાલત ગંભીર છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેજર હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આ હેકિંગ પાછળ ઈઝરાયલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, ઈઝરાયલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
અરબ મીડિયાના અહેવાલો અનુસાર, હિઝબુલ્લા સાથે જોડાયેલા એક હજારથી વધુ સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સીરિયામાં હાજર હિઝબુલ્લાના ચીફને પણ નિશાન બનાવવામાં આવ્યો છે. લેબનીઝ વેબસાઈટ નાહરનેટ મુજબ ઈરાનના રાજદૂત મોજતબા અમાની પેજર વિસ્ફોટમાં ઘાયલ થયા છે, પરંતુ તેમની ઈજાઓ ગંભીર નથી.લેબનોનના આરોગ્ય પ્રધાન ફિરાસ અબિયાદે પુષ્ટિ કરી કે દેશભરની ઘટનાઓમાં સેંકડો લોકો ઘાયલ થયા છે. આરોગ્ય મંત્રાલયે તમામ હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રહેવા જણાવ્યું છે. આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક તેમની હોસ્પિટલોમાં મદદ માટે જવા માટે કહેવામાં આવ્યું છે.