આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાને PIAનું ખાનગીકરણ પૂર્ણ કર્યું

આર્થિક પાયમાલીના આરે ઊભેલા પાકિસ્તાને પોતાની પ્રતિષ્ઠિત સરકારી એરલાઇન કંપની પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)નું ખાનગીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.

New Update
PIA

આર્થિક પાયમાલીના આરે ઊભેલા પાકિસ્તાને પોતાની પ્રતિષ્ઠિત સરકારી એરલાઇન કંપની પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)નું ખાનગીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.

મંગળવારે ઇસ્લામાબાદમાં યોજાયેલી હરાજીમાં પાકિસ્તાનની જાણીતી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ આરિફ હબીબ ગ્રુપ સૌથી ઊંચી બોલી લગાવીને PIA ખરીદવામાં સફળ રહ્યું છે. લાંબા સમયથી ખોટમાં ચાલી રહેલી આ એરલાઇન સરકાર માટે મોટો આર્થિક બોજ બની ગઈ હતી, જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

PIAને ખરીદવા માટે ત્રણ મુખ્ય પક્ષો હરાજીમાં સામેલ થયા હતા, જેમાં લકી સિમેન્ટ, એર બ્લૂ અને આરિફ હબીબ ગ્રુપનો સમાવેશ થતો હતો. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે પાકિસ્તાન સરકારે હરાજીનું લાઈવ પ્રસારણ કર્યું હતું. સરકારે PIA માટે 100 અબજ રૂપિયાની બેઝ પ્રાઇસ (રેફરન્સ પ્રાઇસ) નક્કી કરી હતી. અંતે આરિફ હબીબ ગ્રુપે 135 અબજ રૂપિયાની સૌથી ઊંચી બોલી લગાવીને હરાજી જીતી લીધી હતી.

સોદાની શરતો મુજબ, પાકિસ્તાન સરકાર હાલમાં PIAમાંનો 75 ટકા હિસ્સો વેચી રહી છે, જ્યારે બાકીનો 25 ટકા હિસ્સો ખરીદવા માટે સફળ બિડરને 90 દિવસનો સમય આપવામાં આવશે. આ ખાનગીકરણ માત્ર માલિકી બદલવા પૂરતું નથી, પરંતુ એરલાઇનના પુનરુત્થાન માટે કડક શરતો પણ લગાવવામાં આવી છે. નવા માલિકને આગામી પાંચ વર્ષમાં PIAના સંચાલન, આધુનિકીકરણ અને સુધારાઓ માટે ઓછામાં ઓછા 80 અબજ રૂપિયાનું નવું રોકાણ કરવું ફરજિયાત રહેશે.

હરાજીમાંથી મળનારી કુલ રકમની વહેંચણી પણ સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી છે. હરાજીની રકમમાંથી 92.5 ટકા હિસ્સો એરલાઇનમાં જ ફરીથી રોકાણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે, જેથી PIA આર્થિક રીતે મજબૂત બની શકે, જ્યારે માત્ર 7.5 ટકા રકમ સરકારની તિજોરીમાં જમા કરાવવામાં આવશે. એક સમય એવો હતો જ્યારે PIA દુનિયાની શ્રેષ્ઠ એરલાઇન્સમાં ગણાતી હતી અને અન્ય દેશો પણ તેની કામગીરીમાંથી પ્રેરણા લેતા હતા, પરંતુ વર્ષો સુધી ચાલેલા કુશાસન, ભ્રષ્ટાચાર અને મિસમેનેજમેન્ટના કારણે એરલાઇન સતત ખોટમાં ચાલી ગઈ.

સફળ હરાજી બાદ વડાપ્રધાન શાહબાઝ શરીફે કેબિનેટ બેઠકમાં પ્રાઇવેટાઇઝેશન કમિશન અને સંબંધિત સરકારી અધિકારીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સોદો પાકિસ્તાનના ઈતિહાસના સૌથી મોટા આર્થિક વ્યવહારોમાંનો એક છે. નોંધનીય છે કે PIAના ખાનગીકરણનો આ બીજો પ્રયાસ હતો, કારણ કે અગાઉ યોગ્ય કિંમત ન મળવાને કારણે હરાજી રદ કરવી પડી હતી. સરકારના મતે, એરલાઇનને બચાવવા માટે ખાનગીકરણ સિવાય હવે કોઈ અન્ય વિકલ્પ બાકી રહ્યો નહોતો.

Latest Stories