/connect-gujarat/media/media_files/2025/12/02/pakistan-2025-12-02-15-44-57.jpg)
પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને ફેલાતી અફવાઓએ દેશમાં રાજકીય અને સામાજિક ઉથલપાથલ મચાવી છે.
રાવલપિંડીની અડિયાલા જેલ બહાર હજારો પીટીઆઇ સમર્થકોનું જમાવડો થતાં સુરક્ષા સંસ્થાઓએ સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરી છે. 1 થી 3 ડિસેમ્બર સુધી રેલી, જાહેર સભા, પ્રદર્શન, ધરણા સહિત પાંચથી વધુ લોકોની ભેગી રહેશે તેવા દરેક કાર્યક્રમ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. ડેપ્યુટી કમિશનર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર હથિયાર, લાકડી, ગુલેલ, પેટ્રોલ બોમ્બ, વિસ્ફોટકો, લાઉડસ્પીકર અને પોલીસ બેરિકેડિંગ હટાવવાના પ્રયાસો પર પણ કડક રોક લાગી છે. સરકારનો દાવો છે કે ગુપ્તચર અહેવાલો મુજબ કેટલાક તત્વો કાયદો-વ્યવસ્થા ભંગ કરવાનો પ્રયાસ કરી શકે છે, જેના કારણે પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બનતી જઈ રહી છે.
આ રાજકીય તંગદિલી વચ્ચે પાકિસ્તાન સરકારે ખૈબર પખ્તુનખ્વા (કેએપી)માં ગવર્નર રૂલ લાગુ કરવાની તૈયારી તેજ કરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની નિષ્ફળતા, નબળી સુરક્ષા વ્યવસ્થા અને વધતાં હુમલાઓને કારણે આ પગલું વિચારી રહ્યું છે. ન્યાય રાજ્ય મંત્રી અકીલ મલિકે KPના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદી પર કેન્દ્ર સાથે તાલમેલ ન રાખવાનો અને જરૂરી કાર્યવાહી ન કરવાનો આક્ષેપ પણ કર્યો છે. બીજી તરફ, CM આફ્રિદીના અડિયાલા જેલ બહાર PTIના પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરાયેલા હુમલાએ રાજકીય ઉશ્કેરણને વધુ હવામાં દીધી છે. મીડિયાના અહેવાલો મુજબ સેનાના નિર્દેશ બાદ પોલીસે આફ્રિદીને લાત-ઘૂંસાથી માર માર્યો હતો, જેને PTIએ લોકતંત્ર પર સીધો હુમલો ગણાવ્યો છે.
અડિયાલા જેલમાં ઇમરાન ખાન સુધી પહોંચી ન શકતા PTI નેતાઓ અને સાંસદોમાં ભારે ગુસ્સો છે. PTI નેતા અસદ કાયસરે આક્ષેપ કર્યો છે કે જેલ પ્રશાસન અને ન્યાયાલય બંને પોતાના જ નિર્ણયો અમલમાં મુકવામાં નિષ્ફળ રહ્યાં છે. છેલ્લા કેટલાંક અઠવાડિયાથી ઇમરાનના પરિવારજનો અને પાર્ટીના નેતાઓને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી નથી. CM આફ્રિદીએ ચેતવણી આપી છે કે જો સરકાર ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે સત્ય બહાર નહીં પાડે, તો તેઓ વિશાળ જનઆંદોલન શરૂ કરવા મજબૂર થશે. તેમણે સીધા જનરલ આસિમ મુનીરને જવાબદાર ઠેરવતા જણાવ્યું કે ઇમરાન ખાનના સ્વાસ્થ્યની માહિતી છુપાવવી જનતાના વિશ્વાસ સાથે છેતરપિંડી સમાન છે.
આ વચ્ચે ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાનનું નિવેદન રાજકીય પરિસ્થિતિને વધુ ગરમાવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે તેમના પિતાને 845 દિવસથી કેદ રાખવામાં આવ્યા છે અને છેલ્લા છ અઠવાડિયાથી તેમને એકલા 'ડેથ સેલ'માં રાખવામાં આવ્યા છે. કાસિમના જણાવ્યા મુજબ ઇમરાનની ફોઈને પણ તેમને મળવા દેવામાં આવતું નથી. તેમણે X પર સરકાર પાસે ઇમરાન ખાન જીવિત હોવાનો પ્રામાણિક પુરાવો રજૂ કરવાની માંગણી કરી છે. આ સમગ્ર ઘટનાક્રમે દેશમાં અસ્થિરતા, રાજકીય સંઘર્ષ અને સૈન્ય-સરકાર-વિપક્ષ વચ્ચેનું વધતું ટકરાવ ફરી એક વાર સ્પષ્ટ કરી દીધું છે.