/connect-gujarat/media/media_files/2025/12/25/bangladesh-2025-12-25-15-45-33.jpg)
બાંગ્લાદેશમાં 25મી ડિસેમ્બરના ક્રિસમસ તહેવારની ઉજવણી પહેલાં જ કટ્ટરવાદીઓએ હિંસક ઘટનાઓને અંજામ આપતાં પરિસ્થિતિ તણાવભરી બનાવી દીધી છે.
ક્રિસમસની પૂર્વ સંધ્યાએ રાજધાની ઢાકામાં એક ભીડ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટનાએ દેશમાં અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે. આ સાથે જ ચિટગોંગમાં હિન્દુ પરિવારના ઘરને આગ ચાંપી દેવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે, જ્યાં હિન્દુઓને ખુલ્લેઆમ ધમકીભર્યા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
ઢાકાની ઘટનામાં હુમલાખોરોએ ફ્રીડમ ફાઇટર્સ કાઉન્સિલની નજીક પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હુમલો એક ફ્લાયઓવર પરથી કરવામાં આવ્યો હતો જેથી વધુમાં વધુ નુકસાન પહોંચાડી શકાય. આ હુમલામાં સૈફુલ સિયામ નામના યુવકનું મોત થયું હતું, જે ઓટોમોબાઇલ એક્સેસરીઝની દુકાનમાં કામ કરતો હતો. સ્થાનિક પોલીસે પણ પુષ્ટિ કરી છે કે બોમ્બ ફ્લાયઓવર પરથી જ ફેંકવામાં આવ્યો હતો અને આ ઘટના પૂર્વયોજિત હુમલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ દરમિયાન ચિટગોંગમાં હિન્દુઓને નિશાન બનાવીને કરવામાં આવેલી હિંસાએ વધુ ભય ફેલાવ્યો છે. અહીં એક હિન્દુ પરિવારના ઘરને આગ લગાવી દેવામાં આવી હતી, જેના કારણે આખું મકાન બળીને ખાખ થઈ ગયું હતું. આગની ચપેટમાં આવવાથી ઘરમાં રહેલા પશુઓના પણ મોત નિપજ્યા હતા. હુમલાખોરોએ માત્ર આગજણી સુધી સીમિત ન રહી, પરંતુ આસપાસના વિસ્તારોમાં ધમકીભર્યા બેનરો અને પોસ્ટરો પણ લગાવ્યા હતા, જેમાં લખેલું હતું કે “હિન્દુઓને બચાવવા કોઈ નહીં આવે” અને “હિન્દુઓના ઘર અને દુકાનો કશું જ બચશે નહીં.”
સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ પણ હુમલાખોરની ધરપકડ થઈ નથી. આ ઘટનાઓ બાદ બાંગ્લાદેશમાં હિન્દુ અને ખ્રિસ્તી સમુદાયમાં ભારે ભય અને અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ છે. ક્રિસમસ જેવા શાંતિ અને પ્રેમના તહેવાર પહેલાં થયેલી આ હિંસાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા ઊભી કરી છે અને બાંગ્લાદેશ સરકાર પર અલ્પસંખ્યકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવાની માંગ વધતી જઈ રહી છે.