/connect-gujarat/media/media_files/2025/11/26/bangladesh-2025-11-26-16-50-21.jpg)
બાંગ્લાદેશમાં રાજકીય પરિસ્થિતિ સતત ગરમાયેલી બની રહી છે.
સસ્પેન્ડેડ પ્રધાનમંત્રી શેખ હસીનાને ફાંસીની સજા મળ્યા બાદ દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી આવામી લીગ ખુલ્લેઆમ રસ્તા પર ઉતરી છે. પાર્ટીએ મોહમ્મદ યુનુસ પર કડક આક્ષેપો કરતાં કહ્યું છે કે હસીનાના વિરુદ્ધનો ચુકાદો કોઈ કાનૂની પ્રક્રિયા નહીં, પરંતુ યૂનુસ અને તેમના સમર્થકોના રાજકીય ષડયંત્રનો ભાગ છે. આવામી લીગે સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે આ ચૂકાદાનો હેતુ શેખ હસીના અને તેમની પાર્ટીને આગામી વર્ષમાં યોજાનાર ચૂંટણીથી દૂર રાખવાનો છે. પાર્ટીએ જાહેરાત કરી છે કે 30 નવેમ્બર સુધી તમામ જિલ્લાઓમાં રેલીઓ અને પ્રદર્શનો સતત ચાલશે.
આવામી લીગે સ્પષ્ટ કર્યું છે કે શેખ હસીનાની ગેરહાજરીમાં મળેલી ફાંસીની સજા આંતરરાષ્ટ્રીય કાનૂની ધોરણોના વિરુદ્ધ છે અને તેને રાજકીય બદલો ગણવો જોઈએ. 17 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય ક્રાઈમ્સ ટ્રાઇબ્યૂનલ દ્વારા હસીના અને પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન કમાલને માનવતા વિરુદ્ધના અપરાધોની જવાબદારીમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આવામી લીગે આ ચુકાદાની સામે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે દેશવિરોધી શક્તિઓ સામે આંદોલન વધુ તેજ કરવામાં આવશે. પાર્ટીનું કહેવું છે કે જો શેખ હસીનાને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થવાનો અધિકાર નહીં મળે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે અને ચૂંટણી રોકવા માટે દેશવ્યાપી આંદોલન ચલાવશે.
શેખ હસીના વિરુદ્ધનો કેસ વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ ઓગસ્ટ 2024માં થયેલી હિંસક ઘટનાઓ બાદ શરૂ થયો હતો. હિંસા ફાટી નીકળ્યા બાદ હસીનાને દેશ છોડવો પડ્યો હતો, જ્યારે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી હસીનાના વિરુદ્ધ માનવ વધ અને દેશદ્રોહના ગુનાઓ હેઠળ કેસ ચાલ્યો હતો, જેનો અંત હવે ફાંસીની સજામાં થયો છે. બાંગ્લાદેશનું રાજકીય તાપમાન સતત વધી રહ્યું છે અને આવતા દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંभीर બનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.