/connect-gujarat/media/media_files/2024/11/30/J1SUnJw2tj8ZHCwDa1L9.jpg)
દિલ્હી આગમન પહેલાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખુલ્લેઆમ પ્રશંસા કરીને જણાવ્યું કે PM મોદી કોઈના દબાણમાં આવી જતા નેતા નથી, અને વિશ્વે ભારતની અડગ અને સ્વતંત્ર નીતિ સ્પષ્ટ રીતે જોઈ છે.
પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને રશિયા બંને અમેરિકાના ટેરિફો અને વિવિધ આંતરરાષ્ટ્રીય દબાણોના પડકારનો સામનો કરી રહ્યા છે.
તેમનો સંદેશ માત્ર રાજનયિક વખાણ નથી, પરંતુ ભારતની વધતી આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને તેની સ્વતંત્ર વિદેશ નીતિને મજબૂતીથી સ્વીકારવાનો સંકેત પણ છે.
એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન પુતિનને અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ભારતનું નેતૃત્વ દબાણમાં ઝૂકતું નથી અને વિશ્વાસ સાથે પોતાના રાષ્ટ્રીય હિતોને આગળ ધપાવવાનું વલણ અપનાવે છે. તેમના જણાવ્યા મુજબ ભારતની નીતિઓ આજે વૈશ્વિક રાજકારણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે, અને દેશને પોતાના નેતૃત્વ પર ગર્વ હોવો જોઈએ. તેમણે આગળ જણાવ્યું કે ભારત–રશિયા વચ્ચે 90 ટકા થી વધુ દ્વિપક્ષીય વ્યવહારો સફળતાપર્વક પૂર્ણ થતાં જોવા મળે છે, જે બંને દેશો વચ્ચેના ગાઢ અને વિશ્વાસપૂર્ણ સંબંધોને દર્શાવે છે.
પુતિને ભારત–રશિયા સહયોગની વ્યાપકતા પર પ્રકાશ પાડતાં કહ્યું કે બંને દેશો ઊર્જા, ટેકનોલોજી, સુરક્ષા, અવકાશ અને વેપાર જેવા અનેક ક્ષેત્રોમાં મજબૂત ભાગીદારી ધરાવે છે. તેમણે ભારતના સ્વતંત્રતા પછી માત્ર 77 વર્ષમાં થયેલા આર્થિક અને ઔદ્યોગિક વિકાસની પણ પ્રશંસા કરી. પુતિન મુજબ ભારત–રશિયાના ઐતિહાસિક સંબંધો માત્ર રાજનયિક સંબંધો નહીં પણ વિશ્વાસ અને પરસ્પર સન્માનના આધાર પર નિર્મિત છે, જે ભવિષ્યમાં વધુ મજબૂત બનશે.
આ મુલાકાત પુતિનની ભારતની 10મી મુલાકાત છે, જેમાંથી ત્રણ મુલાકાતો PM મોદીના કાર્યકાળ દરમિયાન (2016, 2018 અને 2021) થઈ ચૂક્યાં છે. બીજી તરફ, PM મોદીએ પણ અત્યાર સુધીમાં સાત વખત રશિયા પહોંચીને બંને દેશોના સંબંધોમાં સક્રિય યોગદાન આપ્યું છે. પુતિનની આ મુલાકાતથી અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે, જે આગામી વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ ઊંડા બનાવશે.